ગોવંડીમાં ઓનર કિલિંગ: ચાર આરોપી સામે સગીર નહીં પુખ્ત તરીકે કેસ ચલાવાશે

મુંબઈ: ગોવંડીમાં ઓનર કિલિંગના કેસમાં પકડાયેલા ચાર સગીર આરોપી સામે પુખ્ત તરીકે કેસ ચલાવવાની જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મંજૂરી આપી હોવાથી હવે તેમની સામે સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે જણાવ્યું હતું કે આરોપી 16થી 18 વર્ષની વયના છે અને તેમણે ગુના બાદ પુરાવા નષ્ટ કરવા માટે મદદ કરી હતી. પોતે આચરી રહેલા ગુનાની તેમને સંપૂર્ણ જાણ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવંડીમાં ઑક્ટોબર, 2023માં કરણ ચૌરસિયા (22) અને ગુલનાઝ ખાન (20)ની હત્યા કરવામાં આવી હતી. ગુલનાઝે પરિવારના વિરુદ્ધમાં જઇ કરણ ચૌરસિયા સાથે લગ્ન કરતાં તેના પિતાએ બંનેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે નવમાંથી પાંચ સગીર આરોપીને તાબામાં લીધા હતા. આ ગુનામાંના ચાર આરોપી 16 વર્ષથી વધુ વયના હોવાથી તેમની સામે પુખ્ત તરીકે ખટલો ચલાવવામાં આવશે, જ્યારે પાંચમો આરોપી 16 વર્ષની ઓછી ઉંમરનો હોવાથી તેની સાથે સગીર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગુલનાઝ અને કરણની ઑક્ટોબર, 2023માં હત્યા કરવામાં આવી હતી. ગોવંડી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી ગુલનાઝના પિતા ગોરા ખાન અને ભાઇ સલમાન ખાનની ધરપકડ કરી હતી. ગુલનાઝના પરિવારનો તેના લગ્ન સામે વિરોધ હતો. તેમણે યુગલને અનેકવાર ધમકી આપીને અલગ થવાનું કહ્યું હતું.
ડિસેમ્બર, 2022માં મધ્ય પ્રદેશમાં ગુલનાઝ અને કરણે લગ્ન કર્યા. થોડા દિવસ દિલ્હીમાં રહ્યા બાદ તેઓ પાછા વતન આવી ગયાં હતાં. દરમિયાન ગુલનાઝના ભાઇને મુંબઈમાં નોકરી મળતાં પરિવાર મુંબઈમાં આવી ગયો હતો. બાદમાં તેમણે ગુલનાઝ અને કરણને પતાવી દેવાની યોજના બનાવી હતી. તેમણે ગુલનાઝને માફ કરી હોવાનું કહીં મુંબઈ બોલાવી હતી અને ગોવંડીમાં ભાડાના ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. સલમાને તેના મિત્રોની મદદથી કરણની હત્યા કરી હતી. ગુલનાઝે કરણ વિશે પૂછપરછ કરતાં તેનો પિતા સાથે ઝઘડો થયો હતો, જેમાં પિતાએ ગુલનાઝનું માથું અફાળતાં તેનું મૃત્યુ થયું હતું.