હવે હોમિયોપેથી ડૉક્ટરો એલોપેથીની દવાનું પ્રિસ્ક્રિપ્શન આપી શકશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર રજિસ્ટર્ડ હોમિયોપેથિક મેડિસિન પ્રેક્ટિશનર્સ સર્ટિફિકેટ ઇન મોર્ડન મેડિસિન (સીસીએમપી)નો કોર્સ પૂર્ણ કરે છે, તો તેમને આધુનિક દવા (હિટેરોમેડિસિન) પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર રાજેશ નાર્વેકરે જણાવ્યું હતું કે, સંબંધિત વ્યાવસાયિક મહારાષ્ટ્ર હોમિયોપેથિક મેડિકલ પ્રોફેશન એક્ટ હેઠળ નોંધાયેલો હોવો આવશ્યક છે અને તેણે આધુનિક ફાર્માકોલોજી (સીસીએમપી)માં સરકાર માન્ય પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ.
છૂટક અને જથ્થાબંધ દવાના ડીલરો હોમિયોપેથિક રજિસ્ટર્ડ ડોકટરોને એલોપેથિક દવાઓ વેચી શકે છે જેમણે આધુનિક ફાર્માકોલોજી (સીસીએમપી)માં પ્રમાણપત્ર અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. ઉપરાંત, છૂટક દવા ડીલરો ડોકટરો દ્વારા આપવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શન પર દવાઓ વેચી શકે છે.
જો કે, મહારાષ્ટ્ર હોમિયોપેથિક મેડિસિન પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શન પર દવાઓ વેચતા પહેલાં સુનિશ્ર્ચિત કરવાનું રહેશે કે પ્રિસ્ક્રિપ્શન પર નોંધણી નંબર અને આધુનિક ફાર્માકોલોજી (સીસીએમપી)માં પ્રમાણપત્ર કોર્સ લાયકાત પ્રમાણપત્ર નંબર લખવામાં આવ્યો છે. આ જવાબદારી છૂટક દવા વેચનારની રહેશે એવી માહિતી કમિશનર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ આપી હતી. મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસ (એમયુએચએસ)માંથી સીસીએમપી કોર્સ કરનારા હોમિયોપેથી ડૉક્ટરો એલોપેથિક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન આપી શકે છે, પરંતુ તેઓ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી)માં રજિસ્ટ્રેશન મેળવી શકશે નહીં. એમએમસી હોમિયોપેથી ડોક્ટરોને નોંધણી નંબર આપવાના નિર્ણયને મોર્ડન મેડિસિન ડોક્ટરો સાથેનો અન્યાય માને છે.