ગૃહ મંત્રાલયનો એલર્ટ રાજ્ય પોલીસની પાસપોર્ટ સંબંધી તપાસ વધુ કડક
મુંબઈ: કેટલાક વખતથી દેશમાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ અને પૅન કાર્ડ બનાવી આપતી સંગઠિત ટોળીઓ કાર્યરત હોવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે. ચેતવણીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા સ્થાનિક વહીવટી તંત્રો પર દબાણ લાવીને દેશ વિરોધી પરિબળોને દસ્તાવેજો અપાવવામાં આવે છે. ગૃહ મંત્રાલયની ચેતવણીના અનુસંધાનમાં મહારાષ્ટ્ર પોલીસ સાવધ થઈ છે અને પાસપોર્ટ સંબંધી દસ્તાવેજોની ચકાસણી સખતાઈથી કરવાની સૂચના વિવિધ સ્તરના પોલીસ કર્મચારીઓને આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના ગુપ્તચર તંત્રે બનાવટી દસ્તાવેજો બનાવી આપતી ટોળીઓની મોડસ ઓપેરન્ડી શોધી કાઢી છે. એ બાબતની માહિતી પણ રાજ્યના પોલીસ તંત્રને આપવામાં આવી છે.
ઇશાનના રાજ્યોની ઓળખ અને સરનામાં વાપરીને સ્થાનિક વહીવટી તંત્રમાં વગ વાપરીને પોલીસ તપાસ ફક્ત નામપૂરતી કરીને અથવા પોલીસ તપાસ વગર ગેરકાયદે સ્થળાંતર કરનારાઓને સરળતાથી પાસપોર્ટ મેળવી આપવામાં આવે છે. એ સંગઠિત ટોળીઓ ગેરકાયદે આધાર કાર્ડ અને પૅન કાર્ડ બનાવી આપે છે. એ બાબતની નોંધ લઈને મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યના તમામ જિલ્લાના પોલીસ તંત્રને પાસપોર્ટ સંબંધી તપાસ સખતાઈથી કરવાની સૂચના આપી છે.