દેશમાં બેલટ પેપર પર ચૂંટણી યોજો, ઈવીએમ પર નહીં: સંજય રાઉત
મુંબઈ: દેશમાં બેલટ પેપર પર ચૂંટણી યોજો ઈવીએમ પર નહીં, એવી માગણી શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે શનિવારે કરી હતી. ઈવીએમ છે તો બધું જ શક્ય છે. ઈવીએમ મશીન પર મોટો કોન્ફીડન્સ છે, એવો ટોણો તેમણે લગાવ્યો હતો. અન્ય દેશોમાં બેલટ પેપર પર ચૂંટણીઓ થઈ રહી છે તો તમે કેમ બેલટ પેપર પર ચૂંટણીઓ યોજતા નથી, એવો સવાલ તેમણે કર્યો હતો.
સંજય રાઉત બે દિવસ માટે નાશિકની મુલાકાત લઈ રહ્યા છે. શિવસેનાના વિધાનસભ્ય બડગુજર પર કાર્યવાહી થઈ રહી છે તે જ સમયે રાઉત નાશિકમાં ગયા હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. સુધાકર બડગુજર સંજય રાઉતના નિકટવર્તી છે. મુંબઈ બોમ્બ સ્ફોટના આરોપી સલીમ કુત્તાની પાર્ટીના મુદ્દે અત્યારે તેઓ મુસીબતમાં મૂકાયા છે. આવી જ રીતે પદનો દુરુપયોગ કરીને મનપાની છેતરપિંડી કરવા બદલ પણ બડગુ જરની તપાસ ચાલી રહી છે. પોલીસ યંત્રણાની કાર્યવાહી માટે સંજય રાઉત શું બોલે છે તેના પર અત્યારે બધાની મીટ મંડાઈ છે.