એચએમપીવીથી ગભરાશો નહીં, ધ્યાન રાખો જાહેર આરોગ્ય પ્રધાન અને તબીબી શિક્ષણ પ્રધાનની અપીલ…

મુંબઈ: એચએમપી (હ્યુમન મેટા ન્યુમો) શ્વશન વાયરસ નવા નથી, પરંતુ 2001થી અહીં જ છે. આ રોગમાં વાયરસ પરિવર્તિત થતો નથી એટલે નાગરિકોએ કોઈપણ રીતે ગભરાવું જોઈએ નહીં, એમ જણાવતાં તબીબી શિક્ષણ વિભાગના પ્રધાન હસન મુશ્રીફ અને જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન પ્રકાશ આબિટકરે મંત્રાલયમાં સંયુક્ત રીતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખીને કાળજી લેવાની નાગરિકોને અપીલ કરી હતી.
આ અંગે કેન્દ્ર સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ રોગ વિશે કોઈએ અફવા ફેલાવવી જોઈએ નહીં. નાગરિકોએ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને અફવાઓ પર વિશ્ર્વાસ ન કરવો જોઈએ. બાળકો, વૃદ્ધો, ક્રોનિક રોગોવાળા દર્દીઓએ કાળજી લેવી જરૂરી છે. આ રોગના સંદર્ભમાં આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ કામ કરી રહી છે અને ચોક્કસ કાર્યવાહી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજ્યમાં આરોગ્ય વિભાગની સારી વ્યવસ્થા છે અને સિસ્ટમ તૈયાર છે એમ તેમણે કહ્યું હતું.
આરોગ્ય વિભાગના સચિવ ડો. નિપુણ વિનાયકે જણાવ્યું હતું કે, ‘હાલમાં સોશિયલ મીડિયા પર ચીનમાં શ્વશન રોગના વાયરસ વિશે માહિતી મળી રહી છે. ચીનમાં શિયાળાની આબોહવાને કારણે શ્વશનના ચેપમાં વધારો અકુદરતી નથી. ઈન્ફલ્યુએન્ઝા, આર. એસ. વી, એચએમપીવી (હ્યુમન મેટા ન્યુમો વાયરસ) જેવા વાયરસ આનું કારણ છે. આ વાયરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચો : સાવધાન મુંબઈગરાઃ હવામાનના પલટાને કારણે ‘આ’ બીમારીમાં વધારો…
એચએમપીવી સામાન્ય રીતે હળવો રોગ છે. જેમાં શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ રોગનું વધુ જોખમ હોઈ શકે છે. તે એક મોસમી રોગ છે, જે સામાન્ય રીતે શ્ર્વસનના વાઈરસ અને ફ્લૂની જેમ શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં ફેલાવો થાય છે. હાલમાં, ભારતમાં શ્ર્વસન ચેપની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી અને આ પરિસ્થિતિ ચિંતાનું કારણ નથી.
તમામ હોસ્પિટલોમાં જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક છે. આ રોગ પેદા કરનાર વાયરસની પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં તપાસ કરવામાં આવી રહી છે.
આ રોગની સારવાર લક્ષણોને આધારે કરવામાં આવે છે. આ રોગ માટે એન્ટિબાયોટિક્સ બિનજરૂરી છે અને આને માટે કોઈ રસી અથવા અસરકારક એન્ટિવાયરલ દવા નથી. તેથી, તેમણે એવી પણ અપીલ કરી હતી કે ડોક્ટરની સલાહ વિના કોઈએ દવા (સ્વયં દવા) ન લેવી જોઈએ.
આ રોગની પૃષ્ઠભૂમિમાં, રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે પણ તમામ જિલ્લાઓને સાવચેતી લેવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત અપીલ પણ કરવામાં આવી હતી કે લોકોએ સ્વચ્છતાના મૂળભૂત નિયમોનું પાલન કરવું જોઈએ જેથી કરીને શ્ર્વસન સંબંધી ચેપ ન વધે.
નાગરિકોએ શું કાળજી લેવી?
-જો તમને શરદી અને ઉધરસ હોય તો ભીડવાળી જગ્યાએ ન જશો
-જ્યારે તમે ખાંસી કે છીંક ખાઓ ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકો
-વારંવાર હાથ ધોવા
-જો તમને તાવ, ખાંસી અને છીંક આવતી હોય તો જાહેર સ્થળોથી દૂર રહો.
-પુષ્કળ પાણી પીઓ અને પૌષ્ટિક ખોરાક ખાઓ
-જાહેર સ્થળોએ ચેપ ઘટાડવા દા.ત. શાળાઓ અને કચેરીઓ વગેરે. હવા ફરતી રહે એનું ધ્યાન રાખો
-હાથ ધોવાના ટિશ્યુ પેપર અને રૂમાલનો ફરીથી ઉપયોગ ટાળો
-બીમાર લોકો સાથે નજીકનો સંપર્ક ન રાખો
-આંખ, નાક અને મોંને વારંવાર સ્પર્શ કરશો નહીં
-જાહેર સ્થળોએ થૂંકશો નહીં
-ડોક્ટરની સલાહ વિના દવા (સ્વયં દવા) લેવાનું ટાળો
-જો તમને શરદી અને ઉધરસ હોય તો ભીડવાળી જગ્યાએ ન જશો