મુંબઈમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા વધીને 3 થઈ
ચીનમાં તબાહી મચાવી રહેલા HMPV વાયરસના કેસો હવે ભારતમાં પણ આવી ગયા છે અને આવા કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ગઇ કાલ સુધી HMPV વાયરસથી નાગપુર ખાતે બે જણા સંક્રમિત હોવાની વાત જાણવા મળી હતી. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે મુંબઈમાં 6 મહિનાની એક બાળકી આ વાયરસ સંક્રમિત છે, જેને મુંબઇની હિરાનંદાની હૉસ્પિટલનમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને હવે એને રજા આપવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રમાં આ વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા ત્રણ થઇ ગઇ છે.
HMPV શું છેઃ-
HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ એ એક વાયરસ છે જે શ્વસન સંબંધી રોગોનું કારણ બને છે. આ વાયરસ ખાસ કરીને શિયાળામાં અને વસંત ઋતુના પ્રારંભમાં જોવા મળે છે. આ રોગ આમ તો તમામ ઉંમરના લોકોને થઇ શકે છે. તાજેતરમાં જ ચીનમાં આ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસ સૌપ્રથમ વર્ષ 2001માં જોવા મળ્યો હતો. આ વાયરસ પેરામિક્સોવિરિડે પરિવારનો છે. તે ‘રેસ્પિરેટરી સિંસિટીયલ વાયરસ’ (RSV) સાથે ગાઢ સંબંધ ધરાવે છે. HMPV વાયરસથી સંક્રમિત લોકોમાં શ્વાસની તકલીફ, સતત ઉધરસ અને વહેતું નાક, તાવ આવે, ગળામાં દુઃખે જેવા લક્ષણો દેખાય છે. અતિ ગંભીર સ્થિતિમાં તેમને ક્યારેક બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા થઇ શકે છે. દેશમાં કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ બાદ હવે આ વાયરસે મહારાષ્ટ્રમાં દેખા દીધી છે. નાગપુરમાં બે બાળકો HMPV વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાંઆ વાયરસથીં સક્રમિત લોકોની સંખ્યા 7 થઈ ગઈ છે.
આ રોગ આમ તો કોરોના જેવો ડરામણો નથી પણ તેનાથી સાવધાની રાખવાની જરૂર છે. કેન્દ્ર સરકારે આ અંગે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે આનાથી ડરવાની જરૂર નથી અને રાજ્ય સરકારોએ પણ સતર્ક રહેવું જોઈએ. આ રોગ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને થઇ શકે છે. ડોકટરોના જણાવ્યા મુજબ આ વાયરસથી સંક્રમિત મોટા ભાગના કેસો જાતે જ સ્વસ્થ થઈ જાય છે.
Also read: એચએમપીવી સામે લડવા અમદાવાદ સિવિલની કેવી છે તૈયારી? જાણો વિગત…
મહારાષ્ટ્રના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે નાગપુરમાં અને દેશભરમાં આ કેસથી સંક્રમિત જે પણ દર્દીઓની ઓળખ થઇ છે, તેમાંથી કોઇ પણ ક્યારેય ચીન ગયું નથી. એનો અર્થ એ છે કે આ વાયરસ વરસોથી આપણી વચ્ચે અસ્તિત્વમાં છે. આ વાયરસ નવો નથી. આ વાયરસ કોરોના જેવો જોખમી પણ નથી અને તેનાથી ડરવાની જરૂર નથી. માત્ર સામાન્ય સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારથી આપણે પેનિક બટન દબાવીને હોબાળો મચાવવાની જરૂર નથી.