મુલુંડમાં હિટ ઍન્ડ રનની ઘટના…
બૅનર લગાવતા ગણેશ મંડળના બે કાર્યકરને બીએમડબ્લ્યુ કારે અડફેટે લેતાં એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં બનેલી હિટ ઍન્ડ રનની ઘટનામાં બીએમડબ્લ્યુ કારે મંડપ નજીક બૅનર લગાવી રહેલા મુલુંડ ચા રાજા તરીકે પ્રસિદ્ધ ગણેશ મંડળના બે કાર્યકરને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ફરાર આરોપીને પોલીસે નવી મુંબઈથી પકડી પાડ્યો હતો.
મુલુંડ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારના મળસકે 4 વાગ્યાની આસપાસ મુલુંડ પશ્ર્ચિમમાં ગવાણપાડા સ્થિત આકૃતિ ટાવર નજીક બની હતી. બીએમડબ્લ્યુ કારે અડફેટે લેતાં પ્રીતમ થોરાતનું મૃત્યુ થયું હતું, જ્યારે પ્રસાદ પાટીલને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર ‘મુલુંડ ચા રાજા’ તરીકે પ્રસિદ્ધ ગણપતી મંડળના કાર્યકરો શનિવારના મળસકે રસ્તા પર બૅનર લગાવી રહ્યા હતા. મુલુંડ પૂર્વ તરફ જનારી બીએમડબ્લ્યુ કાર પૂરપાટ વેગે મંડપ નજીક પહોંચી હતી. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કારે મંડળના કાર્યકર થોરાત અને પાટીલને અડફેટે લીધા હતા.
અકસ્માત બાદ જખમીઓની મદદ કરવાને બદલે આરોપી કાર સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકો બન્નેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે થોરાતને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે મુલુંડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે મુલુંડમાં જ રહેતા શક્તિ અલઘને નવી મુંબઈના ખારઘરથી તાબામાં લેવાયો હતો. ઘટના સમયે બીએમડબ્લ્યુ કાર શક્તિ ચલાવતો હોવાનું તપાસમાં જણાયું હતું.
કહેવાય છે કે અગાઉ કૉલ સેન્ટરમાં કામ કરતા શક્તિએ સેક્ધડ હેન્ડ બીએમડબ્લ્યુ કાર ખરીદી હતી. રાતભર શક્તિ તેમના વિસ્તારના ગણેશ મંડપમાં કામ કરતો હતો. મળસકે સર્વિસિંગમાંથી આવેલી કારની ટેસ્ટ ડ્રાઈવ લેવા તે નીકળ્યો હતો.
આરોપીએ દાવો કર્યો હતો કે તે જખમીઓની મદદ કરવા ઇચ્છતો હતો, પરંતુ એકઠા થયેલા લોકો મારપીટ કરશે એવા ડરથી તે ત્યાંથી પસાર થઈ ગયો હતો. ઘર નજીક પહોંચ્યા પછી ઈમારત નીચે કાર પાર્ક કરીને તે બાઈક પર નવી મુંબઈ જતો રહ્યો હતો.