વધુ એક હિટ એન્ડ રન, પેટ્રોલિંગ પર રહેલા બે પોલીસકર્મીઓને અજાણ્યા વાહને ઉડાવ્યા

પુણેઃ પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં હિટ એન્ડ રન અકસ્માતની ઘટના હજી તાજી છે ત્યારે હવે પુણેમાં ફરી વાર હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. બોપોડી વિસ્તારમાં એક અજાણ્યા વાહને બે પોલીસકર્મીઓને ઉડાવી દીધાની ઘટના બની છે, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હતો. આ ઘટના રવિવારે મધરાતે બની હતી.
આ અંગે વધુ માહિતી એવી છે કે, પોલીસ કર્મચારી સાધન કોળી અને પી. સી. શિંદે બીટ માર્શલ તરીકે ખડકી વિસ્તારમાં તૈનાત હતા. તે સમયે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. જેમાં કોળીનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે શિંદેને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોળીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને ખડકી પોલીસ સ્ટેશનમાં મોડે સુધી કેસ દાખલ કરવાની કામગીરી ચાલી રહી હતી.
છેલ્લા મહિનાથી પુણેમાં હિટ એન્ડ રનના કેસમાં વધારો થયો છે. આવી ઘટનાઓને કારણે રાત્રિના સમયે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. રાત્રીના સમયે બનેલા અકસ્માતને પગલે પોલીસ કર્મચારીઓના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને આવી ઘટનાઓ અટકાવવા પગલાં લેવા જરૂરી હોવાનું જણાવાયું છે. કલ્યાણીનગર અકસ્માત બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને આવા અકસ્માતો ન બને તે માટે પગલાં લેતી જોવા મળી રહી છે. જોકે, રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓને અજાણ્યા વાહને ઉડાવ્યા હોવાની ઘટનાથી પુણેમાં ખળભળાટ મચી ગયો છે. લોકો આમ પોલીસને જ ઉડાવી દે તો સમાન્ય લોકોની સુરક્ષાનું શું એવો સવાલ લોકો કરી રહ્યા છે.
Also Read –