શિવસેના યુબીટી એનસીપી-કૉંગ્રેસ સાથે જોડાતાં હિન્દુત્વના મતો શિંદે સેના તરફ ઢળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીની સરકારમાં જે રીતે રાજ્યમાં હિન્દુત્વ વિરોધી વાતાવરણ ફેલાયું હતું તેનાથી લોકોમાં શિવસેના પ્રત્યે નારાજગી ફેલાઈ હતી. વાસ્તવમાં એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે પોતાના બળવા માટે સૌથી પહેલું કારણ એવું આપવામાં આવ્યું હતું કે હિંદુહૃદયસમ્રાટ બાળ ઠાકરેની શિવસેના હિન્દુત્વથી દૂર થઈ ગઈ હોવાથી અમારે આ પગલું ભરવું પડ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં પાલઘરમાં સાધુઓની કરવામાં આવેલી હત્યા, રાજ્યમાં કેટલાક સ્થળે મુસ્લિમો દ્વારા હિન્દુઓની છડેચોક કરવામાં આવેલી હત્યાઓ, રાજ્યમાં હિન્દુ સમાજની શોભાયાત્રા પર થઈ રહેલા પથ્થરમારા અને હનુમાન ચાલીસા જાહેરમાં ગાવાનું એલાન કરનારા સંસદસભ્ય નવનીત રાણા અને વિધાનસભ્ય રવિ રાણાની કરવામાં આવેલી ધરપકડને કારણે રાજ્યમાં હિન્દુ વિરોધી સરકાર હોવાનું ચિત્ર ઊભું થયું હતું.
બાળ ઠાકરેના વાસ્તવિક વારસદાર તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વના મુદ્દે લોકોની પહેલી પસંદ હતા, પરંતુ તેઓ કૉંગ્રેસ અને એનસીપીની સાથે ગયા હોવાથી તેમના પરથી લોકોનો મોહ ઉતરી ગયો છે. ખાસ કરીને રાહુલ ગાંધીના સાવરકર વિરોધી અને હિન્દુઓ વિરોધી નિવેદનોનો વિરોધ કરવાની હિંમત ઉદ્ધવ ઠાકરે દ્વારા દાખવવામાં આવી નહીં તેને કારણે પણ લોકોમાં તેમની સામે નારાજગી જોવા મળી રહી છે.
આ બધાની વચ્ચે એકનાથ શિંદેએ હિન્દુત્વનો મુદ્દો આગળ કરીને બળવો કર્યો ત્યારે એકનાથ શિંદે હિન્દુત્વના અસલી ચહેરા તરીકે બહાર આવી રહ્યાનું ચિત્ર ઊભું થયું હતું. આ થયા પછી તેમણે પોતાના કાર્યકાળમાં ધર્મ આધારિત દ્વેષ જ્યાં જ્યાં ફેલાયો હતો, ત્યાં સ્થિતિનું આકલન કરીને તેનું નિરાકરણ કર્યું એટલું જ નહીં અગાઉની સરકારમાં જેમની સામે દ્વેષપુર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી તેમને પણ બચાવી લીધા હતા. આ બધી કાર્યવાહીને કારણે હિન્દુત્વના રક્ષક તરીકે એકનાથ શિંદેની છબી ઊભી થઈ હતી.
મુંબઈ નજીકના મીરા રોડમાં જ્યારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ હિંસા આચરવામાં આવી ત્યારે તેમણે બુલડોઝર ચલાવીને લઘુમતી કોમને અત્યંત આક્રમક પદ્ધતિએ ચેતવણી આપી હતી અને ત્યારબાદ લઘુમતી સમાજના વિવિધ અગ્રણીઓ સાથે ચર્ચા કરીને રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
લાંબા સમયથી વિવાદમાં રહેલા કલ્યાણના દુર્ગાડીના કિલ્લા પરના મંદિર પરિસરમાં નમાઝ બંધ કરાવીને ત્યાં મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.
રાજ્યમાં વિવિધ મંદિરોને સાંકળતા વિશાળ હાઈવે બનાવીને લોકોને સંકેત આપ્યો હતો કે આ સરકાર હિન્દુત્વની સરકાર છે.