હિન્દી વિવાદ: કોંગ્રેસે જીઆર પાછો ખેંચવાનું શ્રેય લેવા બદલ ઠાકરે પિતરાઈ ભાઈઓ પર કટાક્ષ કર્યો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

હિન્દી વિવાદ: કોંગ્રેસે જીઆર પાછો ખેંચવાનું શ્રેય લેવા બદલ ઠાકરે પિતરાઈ ભાઈઓ પર કટાક્ષ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શાળામાં પહેલા ધોરણથી હિન્દી ભાષા ‘લાદવા’ સંબંધી સરકારના જીઆર પાછા ખેંચવાનું શ્રેય લેવા માટે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ સંયુક્ત રેલીનું આયોજન કર્યા પછી, કોંગ્રેસે બંને પિતરાઈ ભાઈઓને યાદ અપાવ્યું હતું કે રાજ્યભરના વિવિધ વર્ગો દ્વારા સરકારના આ પગલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે સંભવિત રાજકીય જોડાણ અંગે શંકાસ્પદ દેખાઈ હતી. મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી પાંચમા સુધી હિન્દી ભાષા શીખવવા સામેના ઉગ્ર વિરોધ વચ્ચે રાજ્ય પ્રધાન મંડળે 29 જૂને ત્રિભાષી નીતિના અમલ અંગે બે જીઆર (સરકારી આદેશો) પાછા ખેંચી લીધા હતા.

આપણ વાંચો: કેન્દ્ર સરકારને ફડણવીસે જ આપ્યો ઝટકોઃ હિન્દી ભાષા મામલે લીધો યુ ટર્ન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે પહેલા ધોરણથી ત્રીજી ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરવાનો રાજ્યવ્યાપી વિરોધ થયો હતો. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જીઆર પાછું ખેંચવાનું શ્રેય લે તો ઠીક છે. જો તેઓ રાજકીય રીતે સાથે આવે તો અમારી શુભેચ્છાઓ, એમ ચવાણે જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ, જે અનુક્રમે શિવસેના (યુબીટી) અને મનસેના વડા છે, તેમણે પહેલા ધોરણથી ત્રીજી ભાષા તરીકે હિન્દીનો ઉપયોગ કરવાના બે જીઆર પાછા ખેંચવાની ઉજવણી કરવા માટે સંયુક્ત ‘વિજય’ રેલીનું આયોજન કર્યું હતું.

આપણ વાંચો: હિન્દી ભાષાનાં વિરોધ મુદ્દે સ્ટાલિનને અમિત શાહે બતાવ્યો આયનોઃ કહ્યું પહેલા આ કરો….

‘જો ઠાકરે પરિવાર જીઆર પાછા ખેંચવાની ઉજવણી કરવા માગે છે, તો તે સારું છે,’ રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દી ભાષાના જીઆર પાછા ખેંચવાની ઉજવણી અને બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે સંભવિત રાજકીય જોડાણ બે અલગ અલગ મુદ્દાઓ છે.

સપકાળે દાવો કર્યો હતો કે તેમણે જીઆરના વિરોધમાં એક થવા માટે વિવિધ વર્ગોના 600 લોકોને પત્રો લખ્યા હતા અને શિક્ષણવિદો અને મરાઠી ભાષાના નિષ્ણાતોની શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કર્યું હતું.

‘દરેક વ્યક્તિએ પહેલા ધોરણથી (રાજ્યની શાળાઓમાં) હિન્દી (ભાષા) લાદવાની વિરુદ્ધ લડત આપી હતી,’ એમ તેમણે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button