હિન્દીને અવગણી શકાય નહીં પણ ધોરણ પહેલાથી ફરજિયાત ન બનાવશો: શરદ પવાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

હિન્દીને અવગણી શકાય નહીં પણ ધોરણ પહેલાથી ફરજિયાત ન બનાવશો: શરદ પવાર

મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ધોરણ પહેલાથી હિન્દી ફરજિયાત ન બનાવવી જોઈએ, તેમણે પુણેમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કોઈ નવી ભાષા દાખલ કરવી હોય, તો તે ધોરણ પાંચમા પછી જ કરવી જોઈએ.

‘પ્રાથમિક શિક્ષણમાં હિન્દી ફરજિયાત ન બનાવવું જોઈએ. ધોરણ પાંચમા પછી હિન્દી દાખલ કરવામાં કોઈ વાંધો નથી. દેશનો એક મોટો વર્ગ હિન્દી બોલે છે અને ભાષાને સંપૂર્ણપણે અવગણવાનું કોઈ કારણ નથી,’ તેમણે કહ્યું હતું.

જોકે, પ્રાથમિક સ્તરે નાના વિદ્યાર્થીઓ પર વધારાની ભાષાઓનો બોજ નાખવો યોગ્ય નથી, પવારે કહ્યું.

પવારે પ્રારંભિક શિક્ષણમાં માતૃભાષાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે માતાપિતાને નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ કે તેમના બાળકોને ધોરણ પાંચમા પછી હિન્દી શીખવાની જરૂર છે કે નહીં.

તેમણે કહ્યું હતું કે પ્રારંભિક તબક્કે વિદ્યાર્થીઓ કેટલો ભાષાનો બોજ સહન કરી શકે છે તેનું વિશ્લેષણ કરવું પણ મહત્વપૂર્ણ છે.

‘જો આપણે વિદ્યાર્થીઓ પર બીજી ભાષાનો બોજ મૂકીએ અને માતૃભાષાને આ પ્રક્રિયામાં બાજુ પર મૂકી દેવામાં આવે, તો તે યોગ્ય નથી. રાજ્ય સરકારે ધોરણ પહેલાથી હિન્દી ફરજિયાત બનાવવાનો પોતાનો આગ્રહ છોડી દેવો જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો છઠી જુલાઈએ ફરજિયાત હિન્દીના વિરોધમાં બિનરાજકીય મોરચો

પવારે કહ્યું કે તેઓ શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે દ્વારા આ મુદ્દા પર લેવામાં આવેલા વલણને સમર્થન આપે છે અને ઉમેર્યું હતું કે જો મરાઠીભાષી વસ્તી આ બાબતે એક થાય તો તે સારું છે.

ઠાકરેના પિતરાઈ ભાઈઓએ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ભાષાના આધારે લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button