આમચી મુંબઈ
બીકેસીમાં ઊંચી ભીંતો દૂર થશે: રાહદારીઓની સુગમતાને પ્રાધાન્ય
મુંબઈ: બીકેસી તરીકે વધુ જાણીતા મુંબઈના આર્થિક જિલ્લાની ઓળખ ધરાવતા બાંદ્રા – કુર્લા કોમ્પ્લેકસના બિલ્ડીંગોની ફરતે ખૂબ ઊંચી અને વિશાળ સિક્યોરિટી વોલ (સલામતીના કારણોસર ચણવામાં આવતી ભીંત) માટે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) પરવાનગી નહીં આપે. એટલું જ નહીં, હાલ બિલ્ડીંગોની ફરતે આવી જે દીવાલો છે એ દૂર કરી ત્યાં વૈકલ્પિક રચના ઊભી કરવા જણાવવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા રાહદારીઓની સુગમતા વધારનારી હોવા પર ભાર આપનારી હશે. દરરોજ આશરે સાડા છ લાખ લોકો બીકેસી આવતા હોય છે. જોકે, અત્યારની વ્યવસ્થા મુસાફરીનો સમય બચાવવા મદદરૂપ નથી થતી. પરિણામે ગીચતા અને પ્રદૂષણની સમસ્યા બીકેસીને સતાવી રહી છે. એમએમઆરડીએ કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપોર્ટ પ્લાન પણ અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એનાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ એમ બંનેને લાભ થશે.