ન્યાયમૂર્તિઓના જીવનું જોખમ આરટીઆઈ હેઠળ સ્ટ્રક્ચરલ ઓડિટની માહિતી આપવાનો હાઈ કોર્ટનો સાફ ઈનકાર
મુંબઈ: દક્ષિણ મુંબઈ સ્થિત બોમ્બે હાઈ કોર્ટના હેરિટેજ બિલ્ડિંગ અંગેની સ્ટ્રક્ચરલ ઓડિટની માહિતી રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ આપવાની બોમ્બે હાઈ કોર્ટના સાર્વજનિક જાણકારી વિભાગના અધિકારીએ સાફ ઈન્કાર કરી દીધો છે. એ અહેવાલની માહિતી જાહેર કરવામાં ન્યાયમૂર્તિઓ અને અન્ય અધિકારીઓના જીવનું જોખમ રહેલું છે એવું કારણ આપવામાં આવ્યું છે.
પર્યાવરણની સલામતીની ઝુંબેશ ચલાવતા કાર્યકર્તા ઝોરુ ભાથેનાએ બોમ્બે હાઈ કોર્ટની મુખ્ય અને જોડ ઈમારતના કરવામાં આવેલા છેલ્લા ત્રણ સ્ટ્રક્ચરલ ઓડિટની નકલની માગણી કરતી આરટીઆઈ અરજી ગયા મહિને દાખલ કરી હતી. દક્ષિણ મુંબઈમાં મલબાર હિલના ૧૩૫ વર્ષ જૂના જળાશયના પુન: બાંધકામ સંદર્ભમાં આ માહિતીનો ખપ હોવાની રજૂઆત ભાથેનાએ કરી હતી. ભાથેનાએ દલીલ કરી હતી કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મલબાર હિલ સ્થિત જળાશયનું સમારકામ શક્ય નથી અને એનું બાંધકામ નવેસરથી કરવું પડે એમ છે. હાઈ કોર્ટ અને મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયના બિલ્ડીંગ સો વર્ષથી વધુ જૂના હોવા છતાં એનું પુન: બાંધકામ નથી કરવામાં આવ્યું, પણ સમારકામ કરવામાં આવ્યું છે એ ઉદાહરણ અમે આપવા માગતા હતા.’ જોકે, હાઈ કોર્ટે એ માહિતી આપવાની ના પાડી છે. હાઈ કોર્ટના સાર્વજનિક માહિતી વિભાગના અધિકારીએ પહેલી નવેમ્બરે ભાથેનાની અરજી નકારી હતી અને એમાં જાહેર જનતાનું હિત નથી જોડાયું એ કારણસર એ માહિતી આપી શકાય એમ નથી. જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ‘સલામતીના કારણોસર માહિતી આપી શકાય એમ નથી. આ માહિતી જાહેર કરવાથી હાઈ કોર્ટના માનનીય ન્યાયમૂર્તિઓ અને અધિકારીઓના જીવનું જોખમ રહેલું છે અથવા તેમને શારીરિક ઈજા પહોંચી શકે છે.’ (પીટીઆઈ)