સરકારી સંસ્થાના પ્રોજેક્ટ માટે પણ નાગરિક ઉડ્ડયન સલામતીના ધોરણોમાં કોઈ છૂટછાટ નહીં: બોમ્બે હાઈ કોર્ટ
મુંબઈઃ સરકારી સંસ્થાઓના પ્રોજેક્ટ માટે પણ નાગરિક ઉડ્ડયનના સલામતીના ધોરણોમાં કોઈ છૂટછાટ આપી શકાય નહીં, એવું બોમ્બે હાઈ કોર્ટે મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું. બોમ્બે હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને કમલ ખાટાની ડિવિઝન બેન્ચે ૧૦ જાન્યુઆરીએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ડિસેમ્બર ૨૦૨૧માં નાગરિક ઉડ્ડયન મંત્રાલયની એપેલેટ ઓથોરિટી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક પ્રસ્તાવિત રહેણાંક મકાનની ઊંચાઈ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે મ્હાડા ચોક્કસપણે બંધારણીય તો નહીં જ, પરંતુ કાનૂની રીતે પણ ઊંચી ઇમારત બાંધવાનો અધિકાર હોવાનો દાવો કરી શકે નહીં. મ્હાડાએ ૫૬૦ ટેનામેન્ટના મધ્યમ અથવા ઓછી આવકવાળા આવાસ માટે ૧૧૫.૫૪ મીટર (લગભગ ૪૦ માળ)ની ઊંચાઈની ઇમારતની દરખાસ્ત કરી હતી. જ્યારે મહત્તમ અનુમતિપાત્ર ઊંચાઈ ૫૮.૪૮ મીટર હતી.
કોર્ટે જણાવ્યું હતું કે પ્રોજેક્ટના પ્રસ્તાવક જાહેર સત્તા છે ફક્ત એટલા માટે નાગરિક ઉડ્ડયન સલામતીના ધોરણોમાં કોઈ છૂટછાટ આપી શકાતી નથી. ઉડ્ડયન સલામતીને વિકાસકર્તાની ઓળખ સાથે કોઈ લેવાદેવા નથી. અરજી ફગાવી દેતી વખતે, બેન્ચે કહ્યું કે આવી અરજી ક્યારેય દાખલ કરવી જોઈએ નહીં, ખાસ કરીને જવાબદાર જાહેર સત્તા દ્વારા.
બેન્ચે જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઊંચાઈના નિયંત્રણો નિશ્ચિત કર્યા છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરજિયાત ઉડ્ડયન સલામતી ધોરણોનું પાલન કરે છે. માત્ર આ મધ્યમ-આવક જૂથની આવાસ યોજનાઓ હોવાથી અથવા અરજદાર મ્હાડા હોવાને કારણે કોઈ છૂટ મળી શકે નહીં.