લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોની સ્થિતિ ઢોર કરતાય દયનીયઃ હાઇ કોર્ટ
બોમ્બે હાઈકોર્ટે બુધવારે મુંબઈની ઉપનગરીય રેલ્વેમાં મૃત્યુના ઊંચા દર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે લોકલ ટ્રેનોમાં “લોકોને ઢોરની જેમ યાત્રા કરવી પડે છે. ‘જે રીતે લોકલ ટ્રેનોમાં મુસાફરોને મુસાફરી કરાવવામાં આવે છે તે જોઇને અમને શરમ આવે છે,’ એમ મુંબઇ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠમાં યતિન જાધવ દ્વારા દાખલ કરવામાં આવેલી ઉપનગરીય રેલ્વેમાં ઉચ્ચ જાનહાનિના સંભવિત કારણોને પ્રકાશિત કરતી PILની સુનાવણી ચાલી રહી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે વિશ્વની બીજી સૌથી વ્યસ્ત ગણાતી મુંબઇની ઉપનગરીય લોકલોમાં મૃત્યુના ઊંચા દર અંગે અને આવા અકસ્માતો ટાળવા માટે લેવાયેલા પગલાં અંગે એફિડેવિટ માંગી હતી.
અરજદારના જણાવ્યા મુજબ, મુંબઈમાં ઉપનગરીય રેલ્વે સિસ્ટમમાં દર વર્ષે આવા અકસ્માતોમાં 2,000 થી વધુ મૃત્યુ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકલ ટ્રેનના મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો થયો હોવા છતાં ઇન્ફ્રા.માં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ચાલતી ટ્રેનની અડફેટે આવતા થતા મૃત્યુ અથવા ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી થતા મૃત્યુના અહેવાલો રોજ પ્રકાશિત થતા રહેતા હોય છે.
આ પણ વાંચો : યાત્રીઓં કો હોનેવાલી અસુવિધા કે લિએ ખેદ હૈ: Central Railwayમાં ગુરુવારે લોકલ ટ્રેનોના ગરબડ ગોટાળા…
બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર તમામ સંબંધિત લોકો, ખાસ કરીને રેલ્વે બોર્ડમાં સંબંધિત સભ્ય અને પશ્ચિમ અને મધ્ય રેલ્વે સહિત ઝોનલ રેલ્વેના મુખ્ય સુરક્ષા કમિશનરો વગેરે સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાનો આદેશ આપ્યો હતો અને ઝોનલ જનરલ મેનેજર દ્વારા નામાંકિત ઉચ્ચ-સ્તરના અધિકારીઓને છ અઠવાડિયાની અંદર જવાબમાં સોગંદનામું દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે 2023માં 2,590 લોકો ટ્રેક પર મૃત્યુ પામ્યા હતા, જેનો અર્થ એ છે કે ટ્રેક પર રોજના સાત મૃત્યુ થાય છે. આ જ સમયગાળામાં 2,441 લોકો ઘાયલ પણ થયા હતા. સેન્ટ્રલ રેલવેના ટ્રેક પર અકસ્માતોમાં 1,650 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે પ. રેલવે વિભાગમાં 940 લોકોના મૃત્યુ થયા હતા.