જરાંગેનું આંદોલન શાંતિપૂર્ણ નથી, 2nd september બપોર સુધીમાં મુંબઈના બધા રસ્તા ખાલી કરાવો: હાઈ કોર્ટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

જરાંગેનું આંદોલન શાંતિપૂર્ણ નથી, 2nd september બપોર સુધીમાં મુંબઈના બધા રસ્તા ખાલી કરાવો: હાઈ કોર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે મુંબઈગરાને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બાબતની ગંભીર નોંધ લેતાં મુંબઈ હાઈ કોર્ટે મરાઠા કાર્યકર્તાઓ અને મરાઠા આંદોલન સામે અત્યંત આકરું વલણ અપનાવતાં મંગળવાર બપોર સુધીમાં બધા જ રસ્તાઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે એવી પણ નોંધ કરી હતી કે આ આંદોલન શાંતીપુર્ણ નથી તેમ જ તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
હાઈકોર્ટે મુંબઈમાં સામાન્યતા પુન:સ્થાપિત કરવાનો આગ્રહ રાખ્યો હતો અને જરાંગે અને તેમના સમર્થકોને પરિસ્થિતિ સુધારવા અને મંગળવાર બપોર સુધીમાં બધી શેરીઓ ખાલી કરાવવાની છેલ્લી તક આપી હતી.

જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને ગૌતમ અંખડની બેન્ચે એક ખાસ સુનાવણીમાં જણાવ્યું કે પ્રદર્શનકારીઓ આઝાદ મેદાન – આંદોલન માટે નિયુક્ત સ્થળ – પર રહ્યા નથી અને દક્ષિણ મુંબઈના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારોને બ્લોક કરી દીધા છે.
‘પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને મુંબઈ શહેર વ્યવહારીક રીતે સ્થગિત થઈ ગયું છે,’ એમ કોર્ટે કહ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને ચર્ચગેટ રેલવે સ્ટેશન, મરીન ડ્રાઇવ પ્રોમેનેડ અને હાઈકોર્ટ બિલ્ડિંગ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ આંદોલનકારીઓ એકઠા થયા છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ‘હું સોમવારથી પાણી પીવાનું પણ બંધ કરીશ’: મનોજ જરાંગે – પાટીલે સરકારને ચેતવણી આપી

કોર્ટે નોંધ્યું હતું કે આંદોલન શાંતિપૂર્ણ નહોતું અને દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપતી વખતે જરાંગે અને અન્ય પ્રદર્શનકારીઓએ અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલી દરેક શરતનું ઉલ્લંઘન કર્યું છે.
‘અમે જરાંગે અને તેમના સમર્થકોને તાત્કાલિક પરિસ્થિતિ સુધારવા અને મંગળવાર બપોર સુધીમાં શેરીઓ ખાલી કરવા અને સાફ કરવાની તક આપી રહ્યા છીએ,’ એમ ખંડપીઠે અત્યંત આકરા શબ્દોમાં જણાવ્યું હતું.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે જરાંગે અને તેમના સમર્થકોએ પ્રથમ દૃષ્ટિએ શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાથી અને તેમની પાસે વિરોધ ચાલુ રાખવાની માન્ય પરવાનગી ન હોવાથી, કોર્ટ એવી અપેક્ષા રાખે છે કે રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈને કાયદામાં નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાનું પાલન કરશે.

આ પણ વાંચો: જરાંગેના ઉપવાસ જારીઃ આજે પણ મુંબઈગારાના થશે બેહાલ…

સરકારે સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે હવેથી વધુ પ્રદર્શનકારીઓ શહેરમાં પ્રવેશ ન કરે.

મંગળવારે વધુ સુનાવણી મુલતવી રાખતાં બેન્ચે કહ્યું હતું કે જો ત્યાં સુધીમાં જરાંગેની તબિયત વધુ બગડે તો સરકાર તેમને તબીબી સહાય પૂરી પાડશે.

‘અમે શહેરમાં સામાન્ય સ્થિતિ ઇચ્છીએ છીએ. પ્રદર્શનકારીઓ સ્નાન કરી રહ્યા છે, રસોઈ કરી રહ્યા છે અને શેરીઓમાં શૌચ કરી રહ્યા છે,’ એમ પણ હાઈકોર્ટે કહ્યું હતું.

બેન્ચે કહ્યું કે તેઓ જરાંગે વિશે ચિંતિત છે, જે બેમુદત ભૂખ હડતાળ પર છે અને કહ્યું હતું કે જ્યારે દરેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર છે, ત્યારે તે શાંતિપૂર્ણ રીતે અને માન્ય મર્યાદામાં થવું જોઈએ.

આ પણ વાંચો: જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ

વગર પરવાનગીએ ચાલી રહ્યું છે આંદોલન: સરકારી વકીલ

મુંબઈ હાઈ કોર્ટમાં મરાઠા ક્વોટા અંગેની સુનાવણી વખતે એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન માટેની પરવાનગી ફક્ત 29 ઓગસ્ટ માટે જ આપવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે જરાંગે અને તેમના સમર્થકોએ દરેક શરત અને બાંયધરીનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે કોર્ટે પ્રશ્ર્ન કર્યો કે સરકાર પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવાની યોજના ધરાવે છે, ત્યારે સરાફે કહ્યું કે ચાલી રહેલા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને સરકાર અને પોલીસે પરિસ્થિતિમાં સંતુલન જાળવવું પડશે.

‘આકરા પોલીસ બળનો ઉપયોગ કરવો સરળ હશે પણ તેનું પરિણામ ખરાબ આવશે. આપણે રસ્તા પર પ્રદર્શનકારીઓ અને નાગરિકો વચ્ચે નાજુક સંતુલન જાળવવાની જરૂર છે,’ એમ સરાફે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button