આમચી મુંબઈટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલાં પોલીસ કર્મચારીઓની બદલીને હાઈ કોર્ટે યોગ્ય ઠેરવી

મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલાં 73 પોલીસ કર્મચારીઓની બદલી કરવાના રાજ્ય સરકારના નિર્ણયને મુંબઈ હાઈ કોર્ટે તાજેતરમાં યોગ્ય ઠેરવ્યો હતો. તેમ જ આ બદલીઓ કામચલાઉ ધોરણની હતી એવા મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (મેટ)ના આદેશને હાઈ કોર્ટે રદ કર્યો હતો.

કેન્દ્રિય ચૂંટણી પંચ (ઈસીઆઈ)ના આદેશ મુજબ કરવામાં આવેલી આ બદલીઓ કાયદેસર હતી અને તે ચૂંટણીના સમયગાળા પૂરતી મર્યાદિત નહોતી. તે પછી પણ આ બદલીઓ કામચલાઉ ધોરણની હતી અને ચૂંટણી પૂરી થયા બાદ કર્મચારીઓને તેમના મૂળ પદે પાછા મોકલવામાં આવે એવો અધિકાર ટ્રિબ્યુનલનો હતો એવો ચુકાદો આપવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલનો આ આદેશ ભૂલભરેલો હતો અને તેને રદ કરવામાં આવી રહ્યો છે, એમ જસ્ટિસ અતુલ ચાંદુરકર અને જસ્ટિસ રાજેશ પાટીલની ખંડપીઠે નોંધ્યું હતું. કેટલાક ખાલી પડેલા પદો પર અદાલતે ચિંતા વ્યક્ત કરીને ખાલી પડેલી જગ્યાઓ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને ભરવાનો અધિકાર તેમણે રાજ્યના ગૃહ ખાતાને આપ્યો હતો.

આ પણ વાંચો…વેરાના યોગદાનને આધારે ભંડોળની માગણી હલકી વિચારધારા: પિયુષ ગોયલ…

ચૂંટણી પંચના 21 ડિસેમ્બર, 2023ના આદેશને પગલે ચૂંટણી સંબંધિત અધિકારીઓને તેમના ગૃહ જિલ્લામાં ફરજ આપવા અથવા તો ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જિલ્લામાં કામ કરી રહેલા અધિકારીઓને ફરજ આપવાની મનાઈ કરવામાં આવી હતી. તેને પગલે ચૂંટણીના સમયગાળામાં રાજ્યના એએસઆઈ અને સબ-ઈન્સ્પેક્ટર સહિત 73 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીના આદેશને કેટલાક લોકોે ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button