આરોપીના પાસપોર્ટ મુદ્દે સેશન્સ કોર્ટના આદેશથી હાઈ કોર્ટે વ્યક્ત કર્યું આશ્ચર્ય, શું છે મામલો?
મુંબઈ: સેશન્સ કોર્ટે એક આરોપી પાસે પાસપોર્ટ ન હોવા છતાં જામીન મંજૂર કરતી વખતે પાસપોર્ટ જમા કરાવવાની ‘વિશિષ્ટ’ શરત લાદવામાં આવતા બોમ્બે હાઇ કોર્ટની ગોવા ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ન્યાયાધીશ ભરત દેશપાંડેની એક ન્યાયમૂર્તિની ખંડપીઠે નવમી જુલાઈએ કહ્યું હતું કે આરોપીએ જ્યારે શરતમાં ફેરફાર કરવાની માંગણી કરી ત્યારે સેશન્સ કોર્ટે ‘વિચિત્ર રસ્તો’ અપનાવી આરોપીને ચાર મહિનામાં પોતાનો પાસપોર્ટ જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ખંડપીઠે કહ્યું કે આવા આદેશ દ્વારા સેશન્સ કોર્ટ સ્પષ્ટ રીતે આરોપીને પાસપોર્ટ માટે અરજી કરવા અને પછી તેને જમા કરાવવા માટે ફરજ પાડી રહી છે. ન્યાયાધીશ દેશપાંડેએ સવાલ કર્યો હતો કે શું કોર્ટ અપેક્ષા રાખે છે કે આરોપી પહેલા પાસપોર્ટ માટે અરજી કરે, તેને પ્રાપ્ત કરે અને પાસપોર્ટ પોલીસમાં જમા કરાવ્યા પછી તેને જેલમાંથી મુક્ત થવાની મંજૂરી મળે.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે જામીન આપવા માટે શરત (પાસપોર્ટ જમા કરાવવા માટે) લાદતી સેશન્સ કોર્ટ પાસે કોઈ પણ વ્યક્તિને પાસપોર્ટ માટે અરજી કરવા, તેને મેળવવા અને પછી તેને જમા કરવા નિર્દેશ આપવાની સત્તા નથી.
આ પણ વાંચો : ફેડેક્સ કુરિયર ફ્રોડમાં 65 લાખ રૂપિયા પડાવ્યા: ત્રણની ધરપકડ
ન્યાયમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે લાદવામાં આવેલી અસામાન્ય સ્થિતિ અને ત્યારબાદ તેમાં ફેરફાર કરવામાં રહેલી નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે વધારાના સેશન્સ જજ તેમની સત્તા ઓળંગી ગયા છે.
ખંડપીઠે આરોપીને પોતાનો પાસપોર્ટ જમા કરવાની આવશ્યકતાની શરત રદ કરી હતી. હત્યાના પ્રયાસના કેસમાં 18 વર્ષીય આરોપી યુવક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર અદાલત સુનાવણી કરી રહી હતી.
એપ્રિલ 2024માં ગોવામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. એ જ મહિને સેશન્સ કોર્ટે તેને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા અને તેની સાથે અન્ય કેટલીક શરતો મુકવામાં આવી હતી જેમાં પોલીસ સમક્ષ હાજરી નોંધાવવાની અને તેનો પાસપોર્ટ અદાલતમાં જમા કરાવવાનો ઉલ્લેખ હતો.
યુવકે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેની પાસે પાસપોર્ટ નથી તે હકીકતનો ઉલ્લેખ સેશન્સ કોર્ટમાં કરવામાં આવ્યો હતો, પરંતુ એ વાત ધ્યાનમાં નહોતી લેવામાં આવી.
(પીટીઆઇ)