બાબા સિદ્દીકી હત્યાકેસની આ રહી પૂરી વિગતો: શસ્ત્રો અને ફન્ડિંગ આપ્યાં લોણકર ભાઇઓએ
લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સાથે સંકળાયેલા પુણેના લોણકર બંધુઓમાંના પ્રવીણને તો મુંબઈની કોર્ટમાં રજૂ કરાયો, પણ શુભમ ભાગતો ફરે છે: શુભમ મહિનાથી ગાયબ છે, પણ પ્રવીણ સતત શૂટરોના સંપર્કમાં હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરેલા પ્રવીણ લોણકરે શૂટરો માટે રહેવાની વ્યવસ્થા કરવા સાથે ફન્ડિંગ પણ કર્યું હતું, જ્યારે બિશ્નોઇ ગેન્ગ સાથે સંકળાયેલા તેના ભાઇ શુભમે શસ્ત્રો સપ્લાય કર્યાં હતાં, એવું તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પુણેમાં ડેરી ધરાવતા પ્રવીણની દુકાન નજીક ભંગારની દુકાનમાં ધર્મરાજ કશ્યપ અને ફરાર આરોપી શિવકુમાર ગૌતમ કામ કરતા હતા. પ્રવીણે બંનેને વિશ્વાસમાં લીધા બાદ તેમને ટાર્ગેટ વિશે જણાવ્યું હતું. બાદમાં તેણે બંને આરોપીને બાબા સિદ્દીકીના ફોટા આપ્યા હતા. ઉપરાંત તેણે એ વિસ્તારમાં લાગેલા ફ્લેક્સના પણ ફોટા પાડી આરોપીઓને આપ્યા હતા. બાદમાં તેણે ફરાર આરોપી ઝીશાન અખ્તરને સામેલ કર્યો હતો, જ્યારે ગુરમેલ બલજીતસિંહને મુંબઈ બોલાવી લેવાયો હતો.
આ પણ વાંચો: બાબા સિદ્દીકી મર્ડરઃ બિશ્નોઈની કસ્ટડી મુંબઈ પોલીસને કેમ નથી મળી રહી?
બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા શૂટરો ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહની પૂછપરછમાં શુભમ અને પ્રવીણનાં નામ સામે આવ્યાં હતાં. આથી ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં સંડોવણી બદલ પ્રવીણની સોમવારે રાતે ધરપકડ કરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે સિદ્દીકીની હત્યા અગાઉ પ્રવીણ લોણકર શૂટરોના સતત સંપર્કમાં હતો અને તેણે ફન્ડિંગ કૅશમાં કર્યું હતું. બીજી તરફ શુભમ પુણેથી એક મહિનાથી ગાયબ હોવાથી તેની શોધ ચલાવાઇ રહી છે. સિદ્દીકીની હત્યા માટે શસ્ત્રો કુરિયરથી મગાવવામાં આવ્યાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?
અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી શનિવારે રાતે બાંદ્રા પૂર્વમાં નિર્મલનગર ખાતે પોતાના બંને અંગરક્ષકો સાથે મીટિંગમાં ગયા હતા અને ઘરે પાછા ફરતી વખતે તેમના પુત્ર ઝીશાનની ઓફિસ નજીક તેમના પર આરોપીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે બે શૂટર ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહને પકડી પાડ્યા હતા, જ્યારે શિવકુમાર ફરાર થવામાં સફળ રહ્યો હતો. સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ હરિયાણાની જેલમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં તેમને સિદ્દીકીની હત્યા માટે સુપારી આપવામાં આવી હતી. હત્યા અગાઉ આરોપીઓ થોડા દિવસ પુણેમાં ભાડાના ઘરમાં રહ્યા હતા અને બાદમાં કુર્લામાં બીજી સપ્ટેમ્બરથી તેઓ ભાડાના ઘરમાં રહેતા હતા. તેમણે સિદ્દીકીના નિવાસસ્થાને અને ઓફિસની રેકી પણ કરી હતી.
પ્રવીણ લોણકરને 21 ઑક્ટો. સુધી પોલીસ કસ્ટડી
બાબા સિદ્દીકી હત્યાકેસમાં પુણેથી ધરપકડ કરાયેલા પ્રવીણ લોણકરને મંગળવારે કોર્ટમાં હાજર કરાતાં તેને 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
પ્રવીણનો ચાંપતા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયા બાદ તપાસકર્તા પક્ષે તેની કસ્ટડીની માગણી કરતાં કોર્ટને જણાવ્યું હતું કે આ સંવેદનશીલ હત્યાકાંડ પાછળનું કાવતરું જાણવા માટે પ્રવીણની પૂછપરછ જરૂરી છે. પ્રવીણનો ભાઇ શુભમ ફરાર હોવાથી તેની પૂછપરછમાં શુભમ વિશે માહિતી મળી શકે છે. પ્રવીણને વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં લઇ જવાનો છે. આથી તેની કસ્ટડી જરૂરી છે.
દરમિયાન પ્રવીણના વકીલ પ્રશાંત બડકરે દલીલ કરી હતી કે શુભમને પોલીસ પકડી શકતી નથી, જેથી મારા અસીલને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. આ સંવેદનશીલ કેસ છે પણ ડેરી ચલાવતા પ્રવીણ સામે કાવતરાનો કોઇ પણ આરોપ નહીં કરી શકે.