હજારો ટુ-વ્હિલર ચલાવનારાઓનો જીવ બચાવવા મફત હેલ્મેટની વહેંચણી: આખરે કોણ છે આ હેલ્મેટ મેન?
મુંબઇ: સોશિયલ મીડિયાને કારણે આખું વિશ્વ નજીક આવી ગયું છે. તમે પણ સોશિયલ મીડિયા પર એક હેલ્મેટ મેન જોયો હશે. આ હેલ્મેટ મેનના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. માથામાં હેલ્મેટ પહેરી આ વ્યક્તી રસ્તા પર ઊભો રહી જે લોકો હેલ્મેટ વગર ટુ-વ્હિલર ચલાવતા હોય છે તેમને રોકીને મફત હેલ્મેટ વહેંચે છે. દેશના અનેક શહેરોમાં આ હેલ્મેટ મેનને મફત હેલ્મેટ વહેંચતા તમે સોશિયલ મીડિયા પર જોયો હશે.
માત્ર ભારત જ નહીં પણ આખા વિશ્વમાં હેલ્મેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા આ વ્યક્તીનું સાચું નામ રાઘવેન્દ્ર કુમાર છે. તેઓ હેલ્મેટ વગર ગાડી ચલાવનારને રોકીને તેમને હેલ્મેટ ભેટ સ્વરુપે આપે છે. તેમનું મિશન એક જ છે જે લકો હેલ્મેટ વગર ગાડી ચલાવે છે તેમને મફત હેલ્મેટ વહેંચવા. અને આવું કરવા માટે તેમણે નોકરી છોડી દીધી છે, ઘર વેચી દીધુ અને લોકોનો જીવ બચાવવાનું બીડુ ઉપાડ્યું છે.
વાત જાણે એમ છે કે રાઘવેન્દ્ર કુમારના મિત્ર કૃષ્ણ કુમારનું રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હતું. આની રાઘવેન્દ્ર પર એટલી મોટી અસર થઇ કે તેમણે રસ્તા સુરક્ષા અભિયાન માટે પોતાનું ઘર પણ વેચી નાખ્યું. છેલ્લાં દસ વર્ષમાં તેમણે દેશના 22 રાજ્યોમાં લોકોને રોડ સેફ્ટીની જાણકારી આપી છે. એટલું જ નહીં તેઓ આખા દેશમાં આ અભિયાન કરવાનું વિચારી રહ્યાં છે.
આ અંગે વાત કરતાં રાઘવેન્દ્ર એ પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે, ભારતમાં રોડ એક્સીડેન્ટમાં રોજના સેંકડો લોકો જીવ ગુમાવે છે. તેથી લોકોને ટ્રાફીકના નિયમો અંગે જાણ કરવી આવશ્યક છે. છેલ્લાં દસ વર્ષમાં તેમણે 22 રાજ્યોમાં આ અભિયાન ચલાવ્યું છે. અત્યાર સુધી તેમણે 60 હજારથી વધુ હેલ્મેટ વહેંચ્યા છે. અને તેમણે 35 લોકોના જીવ પણ બચાવ્યા છે.