વહેલી સવારના મુશળધાર વરસાદથી મુંબઈ-થાણેમાં ગંભીર ટ્રાફિક-જૅમ

મુંબઈ: મુંબઈમાં રવિવાર મધરાતથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે સવાર-સાંજના પીક અવર્સમાં શહેરના ઠેર ઠેર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સવારના ભારે વરસાદ પણ પડી રહ્યો હોવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.
આખી રાતના વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર ગણાતા અંધેરી સબ-વે, દાદર ટીટી, અંધેરી વીરા દેસાઈ રોડ, ખાર સબ-વે જળબંકાર થઈ ગયા હતા. ધૂંટણભેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક ધીમો થઈ ગયો હતો. ઈસ્ટર્ન એક્સપ્રેસ રોડ પણ ભારે ટ્રાફિક રહ્યો હતો.
બાન્દ્રા, સાંતાકુઝ, કિંગ સર્કલ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અહીં રોડ ટ્રાફિકને અસર વર્તાઈ હતી. વાકોલામાં ખાર સબ-વેમાં અડધો ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતા. પાનબાઈ સ્કૂલ નોર્થ બાઉન્ડ સ્લિપ રોડ પાસે એક ફૂટ પાણી ભરાઈ ગયા હોવાથી અહીં ભારે ટ્રાફિક રહ્યો હતો. અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. અહીંનો ટ્રાફિક ગોખલે બિજ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. દાદર ટીટી સર્કલ પાસે અડધા ફૂટથી વધુ પાણી ભરાઈ જતા અહીં સવાર-સાંજ પીક અવર્સમાં ટ્રાફિકને અસર થઈ હતી. બોરીવલીમાં દત્તાપાટા રોડ પરના ફ્લાયઓવર પણ ભારે ટ્રાફિક જૅમ થયો હતો.
મુંબઈને અડીને આવેલા થાણે શહેરમાં આનંદ નગર ટોલનાકાથી તીન હાથ નાકા ફ્લાયઓવર સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. થાણેના કોપરીમાં આનંદ નગર નાકાથી મુંબઈ પ્રવેશ કરવા માગતા વાહનો પણ સવારના ઈસ્ટર્ન એક્સપ્રેસના ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. થાણેથી ઘોડબંદર તરફ જનારા રોડ પર ગાયમુખ ઘાટ ભારે વાહન બગડી જતા રસ્તો બંધ તઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે ક્રેનની મદદથી વાહનને હટાવીને રસ્તો ક્લીયર કર્યો હતો.
આ પણ વાંચો…મુંબઈ-આગ્રા હાઈવે પર એલપીજી ટેન્કર પલટી ખાતા કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો