આમચી મુંબઈ

આગામી ત્રણથી ચાર કલાક મુંબઈ પર ઘેરાઈ રહ્યું છે સંકટ, હવામાન ખાતાએ કરી આગાહી…

મુંબઈઃ મુંબઈ અને ઉપનગરમાં વીકએન્ડ પર મેઘરાજાએ દમદાર હાજરી પુરાવી છે. મુંબઈ સહિત આસપાસના પરામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને આગામી ત્રણથી ચાર કલાકમાં વરસાદનું જોર વધવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી હોઈ નાગરિકોએ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.

મુંબઈમાં સમય કરતાં પહેલાં મોન્સૂને ધુઆંધાર એન્ટ્રી તો લઈ લીધી પણ છેલ્લાં કેટલાક દિવસથી મેઘરાજાએ પોરો ખાધો હતો. વચ્ચે હળવા વરસાદના ઝાપટા વરસ્યા પણ આજે શનિવારે મુંબઈ અને ઉપનગરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નરીમાન પોઈન્ટ, દાદર, વરલી, પરેલ, સાયન, કુર્લા, ઘાટકોપર, પવઈ સહિત ભાંડુપ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.

દરમિયાન હવામાન ખાતા દ્વારા આગામી ત્રણથી ચાર કલાકમાં વરસાદનું જોર વધવાનું હોઈ મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યતા છે.

વરસાદનું સૌથી વધુ જોર ચર્ચગેટ, પરેલ, મહાલક્ષ્મી, મુંબઈ સેન્ટ્રલ, ફોર્ટ પરિસરમાં જોવા મળી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા નાગરિકોને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ સહિત નવી મુંબઈ અને રાયગઢ જિલ્લામાં પણ મુસળધારથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. નવી મુંબઈના નેરુલ, વાશી, બેલાપુર વિસ્તારમાં પણ આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button