આમચી મુંબઈટોપ ન્યૂઝ

ત્રણ દિવસ બને તો ઘરમાં જ રહેજો:ગરમી ૩૯ ડિગ્રીએ પહોંચી શકે છે રવિ, સોમ, મંગળ મુંબઈ-થાણે-રાયગડમાં હીટ વેવ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આજથી મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લા માટે સતત ત્રણ દિવસ માટે હવામાન ખાતાએ હીટ વેવની ચેતવણી આપી છે. તાપમાનનો પારો ૩૭થી ૩૯ ડિગ્રી સુધી જઈ શકે છે. તેથી ઘરની બહાર નીકળતા સમયે સાવચેતી રાખવાની અપીલ હવામાન ખાતાએ નાગરિકોને કરી છે.

Also read : Viral Video: ટ્રેનમાં પુરુષે જ બીજા પુરુષને કિસ કરી લીધી, જાણો ક્યાંની છે ઘટના?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે. બુધવાર ૧૨ માર્ચથી ગરમ અને ભેજવાળી હવામાનની સ્થિતિ ફરી શરૂ થશે. આ દરમ્યાન શનિવારે સાંતાક્રુઝમાં મહત્ત તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધારે હતું. જયારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૨.૯ ડિગ્રી વધારે હતું. તો થાણેમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું.

મુંબઈ, થાણે અને રાયગડમાં મંગળવાર સુધી હીટ વેવની હવામાનની ચેતવણી છે, તેથી નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સાથે જ આવશ્યક કામ ના હોય તો બપોરના તડકામાં બહાર નીકળવાનું ટાળવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે.

આ દરમ્યાન રાજ્યમાં પણ વિદર્ભ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. માર્ચ મહિનાની આકરી ગરમી રાજ્યના મોટાભાગના જિલ્લામાં પડી રહી છે. રાજ્યના હિલ સ્ટેશન ગણાતા મહાબળેશ્ર્વરમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૨.૮ ડિગ્રી નોંધાયો હતો. તો સૌથી ઊંચું તાપમાન મધ્ય મહારાષ્ટ્રના લોહગાવમાં ૩૯.૫ ડિગ્રી નોંધાયું હતું.

Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

હવામાન વિભાગના નિષ્ણાતના કહેવા મુજબ માર્ચ મહિનામાં સામાન્ય રીતે ગરમીનું પ્રમાણ વધતું હોય છે અને આગામી અઠવાડિયામાં હાઈ પ્રેશર સિસ્ટમ હેઠળ તાપમાન ૩૯ ડિગ્રી સુધી જઈ શકે છે. મુંબઈ પર દરિયા પરથી પવનો ફૂંકાતા હોય છે. દરિયા પરથી વહેલા પવન ફૂંકાવામાં હાઈ પ્રેશર સિસ્ટમ અવરોધરૂપ બની રહી છે. સામાન્ય રીતે દરિયા પરથી ફૂંકાતા પવનો રાહત આપે છે. જમીન પરથી ફૂંકાતા પવનો ગરમ હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધતું હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button