આમચી મુંબઈ

શિવસેના વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવાની અરજીની સુનાવણી ૧૪ સપ્ટેમ્બરથી

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર બંને શિવસેનાના વિધાનસભ્યોની ગેરપાત્રતા અંગેની અરજીની સુનાવણી ૧૪ સપ્ટેમ્બરથી હાથ ધરશે. કાયદાકીય સચિવ જીતેન્દ્ર ભોલેએ શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના ૩૯ વિધાનસભ્ય અને ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૪ વિધાનસભ્યોને નોટિસ જારી કરી હતી.
શિવસેના (યુબીટી)ના નેતા અને વ્હીપ સુનીલ પ્રભુએ બંધારણના ૧૦મા પરિશિષ્ટની જોગવાઈ અનુસાર ત્રણ અલગ અલગ અરજી દાખલ કરી છે. પહેલી અરજીમાં ગયા વર્ષે ૨૧ અને ૨૨ જૂને બોલાવવામાં આવેલી શિવસેના વિધિમંડળની બેઠકમાં શિંદે જૂથના વિધાનસભ્યો હાજર નહોતા રહ્યા એ અંગેની છે. બીજી અરજી અવિશ્ર્વાસના મતદાન વખતે પક્ષના નિર્દેશના ભંગ અંગેની છે અને ત્રીજી અરજી સ્પીકરની ચૂંટણી વખતે પક્ષના નિર્દેશનો અમલ નહીં કરવા અંગેની છે.
ઉદ્ધવ જૂથ દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત વિરુદ્ધ તેમજ શિંદે જૂથના શિવસેના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા માટે તેના વિધાનસભ્યોને જણાવવામાં આવ્યું હતું. યુબીટી શિવસેના નેતાના જણાવ્યા અનુસાર બંધારણના ૧૦માં પરિશિષ્ટની જોગવાઈઓનું અને ખાસ કરીને કલમ ૨ (અ અને બ)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાથી શિંદે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા જોઈએ. શિંદે જૂથના મુખ્ય વ્હીપ ભરત ગોગાવાલેએ પણ બંધારણના ૧૦મા પરિશિષ્ટ અને ખાસ કરીને કલમ ૨(અ) અને કલમ ૨(બ)ના ઉલ્લંઘન બદલ ઠાકરે જૂથના ૧૪ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા જોઈએ એ અંગે અરજી દાખલ કરી છે. ચોથી જુલાઈએ યુબીટીના ૧૪ વિધાનસભ્યો અવિશ્ર્વાસની દરખાસ્ત વખતે પક્ષના વ્હીપને અનુસર્યા નહીં એ કારણસર તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ એવું ભરત ગોગાવલેનું તારણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button