MPમાં સુનાવણી કરો, પુણે પોર્શે કાર અકસ્માતમાં માર્યા ગયેલા એન્જિનિયરોના પરિવારની માગ
જબલપુરઃ પુણેમાં કાર અકસ્માતમાં માર્યા ગયેલા બે સોફ્ટવેર એન્જિનિયરના માતા-પિતાએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કેસની તપાસ અને ટ્રાયલની તેમ જ કેસની સુનાવણી મધ્યપ્રદેશમાં કરવાની માંગ કરી છે.
શુક્રવારે પુણેમાં કાર અકસ્માતમાં માર્યા ગયેલા બે સોફ્ટવેર એન્જિનિયરના માતા-પિતાએ માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ આ કેસની તપાસ અને ટ્રાયલ પર નજર રાખે. બંનેના પરિવારે એવી પણ માંગ કરી છે કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં નહીં પણ મધ્યપ્રદેશમાં થવી જોઈએ કારણ કે મૃતકો મધ્યપ્રદેશના હતા.
મધ્ય પ્રદેશના આઇટી પ્રોફેશનલ્સ અનીશ અવધિયા અને અશ્વિની કોષ્ટા, પુણે શહેરમાં રહેતા હતા. 19 મેના રોજ 17 વર્ષીય એક શ્રીમંત સગીર દ્વારા ચલાવવામાં આવેલી ઝડપી પોર્શ કાર દ્વારા તેમની મોટરસાઇકલને ટક્કર મારવામાં આવતાં તેમનું મૃત્યુ થયું હતું. અશ્વિની જબલપુરની રહેવાસી હતી, જ્યારે અનીશ અવધિયા જિલ્લાના બિરસિંહપુર પાલીનો રહેવાસી હતો.
અશ્વિનીના પિતા સુરેશ કુમાર કોષ્ટાએ કહ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે અમને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે કેસની તપાસ અને ટ્રાયલ પર નજર રાખવી જોઈએ.” તેમણે કહ્યું કે અપરાધના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં રાખીને આરોપી પર સગીર તરીકે નહીં પરંતુ પુખ્ત તરીકે કેસ થવો જોઈએ.
કોષ્ટાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ નશાની હાલતમાં તેની કાર તેમની પુત્રી અને અનીશ પર ચઢાવી દીધી હતી. અકસ્માત પછી, કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે તેને 300 શબ્દોનો નિબંધ લખવાનું કહેતાં તેને જામીન આપ્યા હતા. ઝડપી જામીન અને પોલીસ રિવ્યુ પિટિશન પર થયેલા હોબાળા બાદ, JJBએ બુધવારે રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના પુત્ર કિશોરને 5 જૂન સુધી ઓબ્ઝર્વેશન હોમમાં મોકલ્યો હતો.
પોલીસે સગીરના પિતાની પણ ધરપકડ કરી છે. “હું મારા છેલ્લા શ્વાસ સુધી ન્યાય માટે લડીશ,” એમ અનીશના પિતા ઓમ પ્રકાશ અવધિયાએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે પરિવારોને ન્યાય મળે તે માટે કેસની સુનાવણી મધ્યપ્રદેશમાં થવી જોઈએ અવધિયાએ જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં તેને પોલીસ સ્ટેશનમાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ દુર્ઘટનાને ડબલ મર્ડર કેસ માનવો જોઇએ.