સગીરા સાથે ‘લગ્ન’ કરી તેના આખા શરીરે બચકાં ભર્યાં: યુવકની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સગીરા સાથે ‘લગ્ન’ કરી તેના આખા શરીરે બચકાં ભર્યાં: યુવકની ધરપકડ

વડીલોને આ અંગે જાણ કરનારી સગીરાનો નિર્વસ્ત્ર વીડિયો તેનાં સગાંસંબંધીને મોકલવામાં આવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈમાં બનેલી હિચકારી ઘટનામાં યુવકે ૧૭ વર્ષની સગીરા સાથે ‘લગ્ન’ કર્યાં પછી તેના આખા શરીરે બચકાં ભર્યાં હતાં. આટલેથી ન અટકી આરોપીએ કથિત ત્રાસની જાણ વડીલોને કરનારી સગીરાનો નિર્વસ્ત્ર વીડિયો તેનાં સગાંસંબંધીને મોકલ્યો હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

સગીરાની ફરિયાદને આધારે પવઈ પોલીસે ૨૪ વર્ષના આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (એન), પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ, ચાઈલ્ડ મૅરેજ ઍક્ટ અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં છોકરી સગીર વયની હોવા છતાં તેનાં લગ્ન કરાવવા બદલ આરોપી અને સગીરાના વડીલો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસ ફરિયાદ અનુસાર સગીરાનાં લગ્ન ૨૦ નવેમ્બર,
૨૦૨૩ના રોજ આરોપી યુવક સાથે થયાં હતાં. લગ્નના થોડા દિવસ પછી સગીરાને તેના પતિનું એ જ પરિસરમાં રહેતી એક છોકરી સાથે અફૅર હોવાની જાણ થઈ હતી. આ બાબતે પતિને પૂછી અન્ય છોકરી સાથે સંબંધનો વિરોધ કરનારી સગીરા પર આરોપી ગિન્નાયો હતો.

આરોપીએ બેરહેમીથી ફટકારી સગીરાનું માથું દીવાલ સાથે અફાળ્યું હતું. આ ક્રૂરતાને કારણે સગીરા તે સમયે બેભાન થઈ ગઈ હતી. તેમ છતાં આરોપીએ તેને સારવાર માટે ડૉક્ટર પાસે લઈ જવાની તસ્દી લીધી નહોતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે તે ઘટના પછી આરોપી વારંવાર સગીરા સાથે મારપીટ કરી જાતીય હુમલો કરતો હતો. એક વાર આરોપીએ સગીરાને નિર્વસ્ત્ર કરી તેના આખા શરીરે બચકાં ભર્યાં હતાં. આરોપીના ત્રાસથી કંટાળી સગીરા તેના વડીલોને ઘેર રહેવા જતી રહી હતી. પોતાની સાથે ગુજારાતા ત્રાસની જાણ તેણે માતાને કરી હતી. આ વાતથી રોષે ભરાયેલા આરોપીએ સગીરાનો અશ્ર્લીલ વીડિયો સગાંસંબંધીને મોકલી દીધો હતો. આખરે સગીરાના વડીલોએ પવઈ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button