Local Trainમાં સિનિયર સિટિઝન માટે અલગ કોચ મુદ્દે રેલવેએ હાઈ કોર્ટને શું કહ્યું, જાણો?

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને થતી હાલાકીને દૂર કરવા માટે હવે લોકલ ટ્રેનના એક લગેજ ડબ્બાને વરિષ્ઠ નાગરિકો માટેનો સ્વતંત્ર કોચ બનાવવાનો નિર્ણય રેલવે પ્રશાસને લીધો છે, પરંતુ આ કાર્યમાં થઇ રહેલા વિલંબ પર હાઇ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આ અંગે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
આ સિવાય વરિષ્ઠ નાગરિકો માટે લોકલમાં સ્વતંત્ર ડબ્બો બનાવવામાં ન આવે ત્યાં સુધી તેઓને લગેજ ડબ્બામાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવે એવો આદેશ પણ હાઇ કોર્ટે કર્યો હતો. બે વર્ષમાં વરિષ્ઠ નાગરિકોને લોકલમાં સ્વતંત્ર ડબ્બો ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે, એવી ખાતરી રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી.
મધ્ય અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે અમુક સીટ અનામત રાખવામાં આવી છે, પણ ભીડના સમયે ત્યાં સુધી પહોંચવું વરિષ્ઠ નાગરિકો માટે શક્ય થતું નથી. તેથી દિવ્યાંગો માટે જે રીતે સ્વતંત્ર કોચ છે એ રીતે વરિષ્ઠ નાગરિકો માટે પણ સ્વંતત્ર કોચ બનાવવામાં આવે એવી માગણી સાથેની જનહિત અરજી હાઇ કોર્ટમાં કરાઇ હતી.
આ દરમિયાન રેલવે પ્રશાસને હાઇ કોર્ટને જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં મધ્ય રેલવેમાં ૧૫૫, જ્યારે પશ્ચિમ રેલવેમાં ૧૦૫ ડબ્બાને વરિષ્ઠ નાગરિકો માટે સ્વતંત્ર કોચ બનાવવામાં આવશે.