સાઉથ મુંબઈમાં આવેલું આ અઢી કરોડ રૂપિયાનું ઘર જોયું કે?
મુંબઈઃ મુંબઈને સપનાની નગરી તરીકે ઓળખવામાં આવે છે અને આપણને બધાને પોતાનું એક નાનું તો નાનું પણ હક્કનું ઘર જોઈતું જ હોય છે. સિડકો અને મ્હાડા જેવી સ્કીમ સામાન્ય માણસનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘરની કિંમતમાં એટલો બધો વધારો થયો છે કે ચાર બાય ચારનું ઘર ખરીદવાનું પણ અઘરું બની રહ્યું છે. મુંબઈ, ઉપનગર, થાણે, નવી મુંબઈમાં નાની અને મોટી મોટી અનેક ઈમારતો આવેલી છે. આ બધા વચ્ચે દક્ષિણ મુંબઈના એક ઘરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ઘર જોઈને નેટિઝન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે.
સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર સુમિત પાલવેનો આ વીડિયો વાઈરલ થયો છે અને સુમિતે અઢી કરોડ રૂપિયામાં મળતાં ઘરની ઝાંખી દેખાડી છે. આ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે આ ઘર આલિશાન મહેલ જેવું હશે તો ભાઈસા’બ એવું કંઈ જ નથી. આ ઘર જોઈને તમે માથે હાથ મારી લેશો.
સુમિત એક પેસેજમાંથી એક ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાર બાદ તે એક આ નાનકડા સ્ટોર રૂમ જેવા દેખાતા ઓરડાને માસ્ટર બેડ તરીકે ઈન્ટ્રોડ્યુસ કરે છે. આ રૂમમાં બોક્સ પર ગાદલું નાખીને પલંગ બનાવવામાં આવ્યું છે. આ રૂમમાં બધા સામાન સાથે એક એસી પણ છે અને આખા રૂમમાં ચાર જણ માંડ માંડ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ છે.
ત્યાર બાદ આ યુવક રસોડું દેખાડે છે અને આ રસોડું જોઈને તો તમને આઘાત જ લાગશે. રસોડામાંથી આ યુવક પાછો કોરિડોરમાં આવે છે. મજાની વાત તો એ છે કે રસોડાની બાજુમાં જ એટેચ્ડ બાથરૂમ છે. આ બાથરૂમ છે એ જોઈને પણ તમને વિશ્વાસ નહીં બેસે કારણ કે તેની સિલિંગ એટલી નીચે છે કે તમારું માથું અથડાઈ જશે.
હવે આ યુવક ટેરેસ તરફ વળે છે અને એ માટે તે એકદમ જુગાડથી બનાવવામાં આવેલી સીડી પરથી ઉપર આવે છે અને નાનકડી બારીમાંથી બહારનું દ્રશ્ય દેખાય છે. વીડિયોમા અંતમાં યુવક એવું કહેતો સંભળાશે કે થોડુંક કોમ્પ્રોમાઈઝ તો કરવું પડશે, બોસ આ સાઉથ મુબંઈ છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈ આ જોયા બાદ મને મારું નાનકડું ઘર પણ મહેલ જેવું લાગવા લાગ્યું છે. દરમિયાન આ ફ્લેટ 2.5 કરોડનો છે કે એ હજી ખબર નથી પડી રહી. આ વીડિયો પણ પ્રેન્ક છે કે હકીકત છે એ પણ કહી શકાતું નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયોએ નેટિઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થયો હતો.