‘ભાગલા પાડનારાઓને જાકારો આપ્યો હરિયાણાની જનતાએ’: કૉંગ્રેસની કારમી હાર બાદ શ્રીકાંત શિંદેના પ્રહારો…
મુંબઈ: મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હરિયાણાની ચૂંટણીના પરિણામોની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને વિપક્ષો તેમ જ સત્તાધારી પક્ષ પ્રતિક્રિયા આપી રહ્યો છે. સાંસદ તેમ જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડૉક્ટર શ્રીકાંત શિંદેએ પણ આ વિશે જણાવ્યું હતું કે હરિયાણાની જનતાએ કૉંગ્રેસની ભાગલા પાડોની નીતિને જાકારો આપી દીધો છે.
મહારાષ્ટ્રમાં પણ જનતા વિપક્ષોને જાકારો આપશે એમ જણાવતા તેમણે કહ્યું હતું કે હરિયાણાના મતદારોએ ભાગલા પાડનારાઓના સ્થાને સ્થિરતા અને પ્રગતિનો મંત્ર લઇ ચાલનારી ડબલ એન્જિનની સરકારને પસંદ કરી છે. મહારાષ્ટ્રમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળશે.
જાલના ખાતે ‘જન સંવાદ યાત્રા’ દરમિયાન બોલતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યાં પણ ગયા છે ત્યાં તેમણે જાત-પાતના નામે અને નફરત વડે મતોનું વિભાજન કર્યું છે. જોકે, હરિયાણાની જનતાએ મક્કમપણે ફેંસલો કરીને ભાગલા પાડવાની નીતિને ફગાવી હતી.
તેમણે હરિયાણાની કૉંગ્રેસની હારને જાત-પાતનું રાજકારણ કરનારાઓની હાર ગણાવી હતી અને કહ્યું હતું કે એનડીએની સરકાર બંધારણમાં ફેરફાર કરવાના હોવાનો પણ કૉંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. લોકો રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ડબલ એન્જિનની સરકાર દ્વારા લાવવામાં આવેલા સકારાત્મક પરિવર્તન જોઇ રહી છે અને તેની અસર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે.