મુંબઈ-પુણે જમીન સોદા પર શ્વેતપત્ર જાહેર કરો: સપકાળ…

પાર્થ પર ગુનો કેમ નથી નોંધ્યો એવો સવાલ ઉઠાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ શનિવારે એવી માગણી કરી હતી કે રાજ્ય સરકારે પુણે અને મુંબઈમાં જમીન વ્યવહારો પર ‘શ્ર્વેતપત્ર’ બહાર પાડવું જોઈએ અને વિધાનસભાના આગામી શિયાળુ સત્ર દરમિયાન આ મુદ્દા પર આખો દિવસ ચર્ચા માટે ફાળવવો જોઈએ.
મુંબઈમાં પત્રકારોને સંબોધતા, સપકાળે એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્યભરમાં જમીન વ્યવહારોમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે અને ‘જમીન કૌભાંડો પાછળના મુખ્ય સૂત્રધારો મંત્રાલયમાંથી કાર્યરત છે.’
તેમણે આ વ્યવહારોને ‘સામૂહિક ગુનાહિત કૃત્યો’ ગણાવ્યા હતા અને ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર પર ગેરરીતિઓમાં સંડોવાયેલા લોકોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો.
‘મહાયુતિ સરકાર સંપૂર્ણપણે બેશરમ બની ગઈ છે. દરરોજ એક નવું કૌભાંડ પ્રકાશમાં આવે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શાસક પક્ષના નેતાઓ અને તેમના સંબંધીઓ રાજ્યને લૂંટી રહ્યા છે. મુંબઈ અને પુણેમાં કરોડોની જમીન નજીવી કિંમતે હડપ કરવામાં આવી છે,’ એવો ગંભીર આરોપ સપકાળે લગાવ્યો હતો.
પુણે જમીન કેસનો ઉલ્લેખ કરતાં તેમણે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારે 40 એકર ‘મહાર વતન’ની જમીન રૂ. 300 કરોડમાં ખરીદી હતી, જ્યારે સ્ટેમ્પ ડ્યુટી તરીકે માત્ર રૂ. 500 ચૂકવ્યા હતા.
‘તે જમીન પર આઇટી પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ ઉતાવળમાં મંજૂર કરવામાં આવ્યો હતો અને દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
હવે સરકાર કહે છે કે સોદો રદ કરવામાં આવ્યો છે. આ ગુનાની કબૂલાત છે. હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? પાર્થ પવારનું નામ એફઆઈઆરમાંથી કેમ ગાયબ છે?’ એવા અનેક સવાલ તેમણે ઉપસ્થિત કર્યા હતા. સપકાળે વધુમાં એવો આરોપ લગાવ્યો હતો કે પાર્થ પવારની કંપનીએ અગાઉ પુણેના બોપોડી વિસ્તારમાં સરકારી માલિકીની કૃષિ ડેરી જમીન પર બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અતિક્રમણ કર્યું હતું.
કોંગ્રેસ નેતાએ જમીન ખરીદીમાં ઉપયોગમાં લેવાતા ભંડોળના સ્ત્રોત પર પણ સવાલ ઉઠાવ્યો હતો અને દાવો કર્યો કે તે ખાંડ ફેક્ટરી દ્વારા આવ્યા હતા. ‘આ પૈસા કોણે અને કેવી રીતે પૂરા પાડ્યા? લોકો જવાબ આપવાને બંધાયેલા છે. સરકારે નિયુક્ત કરેલી તપાસ સમિતિ આંખમાં ધૂળ નાખવા સિવાય કશું જ નથી,’ એમ તેમણે કહ્યું હતું.
અન્ય કથિત જમીન ગેરરીતિઓનો ઉલ્લેખ કરતા, સપકાળે કહ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળે પુણેમાં જૈન બોર્ડિંગ ટ્રસ્ટની જમીન હડપ કરી હતી. જ્યારે સોદો પાછળથી રદ કરવામાં આવ્યો હતો ત્યારે સંબંધિત ચેરિટી કમિશનર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
મોહોળે પુણે જૈન ટ્રસ્ટ જમીન સોદાના આરોપોને નકારી કાઢ્યા છે.
‘પુણેના રિંગ રોડ અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. લોકોને ખબર હોવી જોઈએ કે સમૃદ્ધિ પ્રોજેક્ટમાંથી ખરેખર કોણ સફળ થયું છે. સરકારે આવા તમામ જમીન વ્યવહારો પર શ્ર્વેતપત્ર બહાર પાડવો જોઈએ,’ એમ સપકાળે કહ્યું હતું.
વંદે માતરમનો રાજકીય હેતુ માટે દુરુપયોગ: સપકાળ
રાષ્ટ્રીયગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે ભાજપના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો અંગે બોલતાં સપકાળે શાસક પક્ષ પર રાજકીય હેતુઓ માટે વંદે માતરમનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો.
‘આરએસએસે ક્યારેય તેની શાખાઓમાં ‘વંદે માતરમ’ ગાયું નથી. આ ગીત સ્વતંત્રતા ચળવળમાંથી બલિદાનનો ઇતિહાસ ધરાવે છે. તેનો ઉપયોગ સાંપ્રદાયિક કે ધાર્મિક તણાવ પેદા કરવા માટે થવો જોઈએ નહીં. ‘વંદે માતરમ’ માટે ભાજપનો પ્રેમ ભ્રામક અને તકવાદી છે,’ એમ પણ સપકાળે કહ્યું હતું.



