મહારાષ્ટ્ર સરકાર પર કોંગ્રેસનો નવો આરોપઃ ‘હાઈ-સિક્યોરિટી’ રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાને નામે ઉઘાડી લૂંટ…

મુંબઈઃ ભાજપ સરકાર લોકોને લૂંટવાની એક પણ તક જતી નથી કરતી. જનતા આ પહેલાંથી જ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વાહનમાલિકોનાં ખિસ્સાં પર સરકારની નજર ચોંટી છે. વાહનો માટે હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટના નામે ભારે ફી વસૂલવાનું નક્કી કરનારી સરકાર વધુ પડતો ચાર્જ કરી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સકપાળે એવો આરોપ મૂકીને ફીને ઘટાડવા માટેની માગ કરી છે.
Also read : અંડરગ્રાઉન્ડ ‘મેટ્રો’ માટે આજનો દિવસ બન્યો ‘ઐતિહાસિક’, સંપૂર્ણ કોરિડોરમાં આ મહિનાથી મેટ્રો દોડાવી શકાય
પહેલી એપ્રિલ, 2019 પહેલાં નોંધાયેલાં વાહનો માટે હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) ફરજિયાત બનાવવામાં આવી છે. આ પહેલનો હેતુ સારો છે પણ સરકાર તેની આડમાં વાહનમાલિકોનાં ખિસ્સાં ખંખેરી રહી છે, એવો સકપાળે આરોપ લગાવ્યો હતો. આ નંબર પ્લેટ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવતી ફી અન્યો રાજ્યોમાં વસૂલવામાં આવતી ફી કરતાં બે કે ત્રણ ગણી છે.
પડોશી રાજ્ય ગોવામાં ટુ વ્હીલરનો ભાવ 150 રૂપિયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 450 રૂપિયા છે. એવી જ રીતે ફોર વ્હીલર માટે ગોવામાં 203 રૂપિયા, જ્યારે મહારાષ્ટ્રમાં 745 રૂપિયા છે. આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ પણ ઓછા દર વસૂલે છે. તો મહારાષ્ટ્રમાં આ દર બમણા કે ત્રણ ગણા કેમ છે, એવો સવાલ સકપાળે કર્યો હતો. જોકે મહારાષ્ટ્ર સરકાર નંબર પ્લેટ માટે 18 ટકા જીએસટી વસૂલવાની છે, પણ આરટીઓ આ હકીકતને છુપાવી રહી છે. આ બોજો વાહનમાલિકો પર લાદવામાં આવ્યો છે.
Also read : મધ્ય રેલવેમાં આજ રાતથી શરુ થશે બે વિશેષ નાઈટ બ્લોક, જાણી લો મહત્ત્વની માહિતી
દંડની રકમ પણ વધારે છે
નંબર પ્લેટ 31મી માર્ચ પછી વાહન પર આ નંબર પ્લેટ નહીં હોય તો પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જે ખૂબ જ મોટી રકમ હોવાનું હર્ષવર્ધન સકપાળે જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે નંબર પ્લેટનો કોન્ટ્રેક્ટ સુદ્ધાં પ્રધાનમંડળની સ્થાપનામાં કરવામાં આવેલી ઉતાવળ સમયે આપવામાં આવ્યો છે. મંત્રાલયમાં અમુક અધિકારીઓએ પરસ્પર મળીને આ કાવતરું ઘડ્યું છે. આ માટે કોન્ટ્રેક્ટરને આપવામાં આવેલા લેટર ઓફ ઈન્ટેન્ટ અને વર્ક ઓર્ડરને પણ જાહેર કરવા જોઇએ. નંબર પ્લેટ માટે વાહનધારકોને આપવામાં આવેલી મુદત પણ વધારવી જોઈએ, વધારાની કડક શરતો દૂર કરવી જોઇએ અને નંબર પ્લેટ સરળતાથી કેવી રીતે ઉપલબ્ધ થાય એ અંગે ધ્યાન દોરવું જોઇએ.