આમચી મુંબઈ

આક્રમક સ્વભાવના પિતાને બાળક સોંપવું જોખમી: હાઈ કોર્ટ

મુંબઈ: ગુસ્સા પર કાબૂ ન રહેતો હોય તેમજ હાથ ઉપાડવાનો અને ગાળાગાળી કરવાનો સ્વભાવ હોય એવા પિતાને સગીર વયની બાળકીની સોંપણી કરવી જોખમી બાબત છે એમ બોમ્બે હાઈકોર્ટે બુધવારે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ રેવતી મોહિત દરે અને ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેની ખંડપીઠે ત્રણ વર્ષની પુત્રીનો કબજો લેવાની ૪૧ વર્ષના યુકેના નાગરિકની અરજી ફગાવી દીધી હતી. વિખુટી થયેલી પત્ની પુત્રીને ગેરકાયદે ભારત લાવી હોવાનો દાવો પિતાએ કર્યો હતો. પુરુષ ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતો અને ભૂતકાળમાં પોતાની મારપીટ કરી હોવાના પત્નીના આક્ષેપોની નોંધ ખંડપીઠે લીધી હતી. બાળકનું હિત ધ્યાનમાં રાખીને જ એ કોને સોંપવું એનો નિર્ણય અદાલતે કરવાનો હોય છે એ બહુ જાણીતો સિદ્ધાંત છે એમ પણ ખંડપીઠે જણાવ્યું હતું.

ખંડપીઠે જણાવ્યું હતું કે ’અરજદાર ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતો એ જોતા બાળક એને સોંપવું સલામત નથી. આવા સ્વભાવની બાળકના ઉછેર અને આરોગ્ય પર અવળી અસર પડી શકે છે. હાલ બાળક માત્ર સાડા ત્રણ વર્ષનું છે અને આ ઉંમરે તેને માતાના સહવાસની વધુ જરૂર હોય છે.’ (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button