આમચી મુંબઈમહારાષ્ટ્ર

બુલઢાણામાં વાળ ખરવાના કિસ્સાઓ રેશનિંગના ઘઉંના વપરાશ કે પાણીના પ્રદૂષણ સાથે સંબંધ નહીં: પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નોંધાયેલા અચાનક વાળ ખરવાના કિસ્સાઓ રેશન સ્ટોર્સમાંથી પૂરા પાડવામાં આવતા ઘઉંના વપરાશ સાથે જોડાયેલા નથી અને ન તો તે પાણીના પ્રદૂષણને કારણે થયા હોવાનું લાગી રહ્યું છે, એમ રાજ્યકક્ષાના પ્રધાન મેઘના બોર્ડિકર સાકોરેએ ગુરુવારે જણાવ્યું હતું.

જાહેર આરોગ્ય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાને વિધાન પરિષદમાં ટૂંકા ગાળાની ચર્ચા દરમિયાન એમએલસી સત્યજીત તાંબે દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપ્યો હતો

આ પણ વાંચો: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણીની સમયમર્યાદા વધારાઈ; આ તારીખ સુધી કરી શકાશે નોંધણી…

‘બુલઢાણાના શેગાંવ તાલુકાના વિવિધ ગામોમાં નોંધાયેલા વાળ ખરવાના કિસ્સાઓ ગંભીર બાબત છે. તમામ અસરગ્રસ્ત ગામોમાં ઘરગથ્થુ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને પાણી, માટી, લોહી અને ઘઉંના નમૂના પરીક્ષણ માટે એકઠા કરવામાં આવ્યા છે. આ નમૂનાઓ વિશ્ર્લેષણ માટે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ને મોકલવામાં આવ્યા છે. એકવાર તેમનો રિપોર્ટ પ્રાપ્ત થઈ જાય, પછી વાળ ખરવાનું ચોક્કસ કારણ જાણવા મળશે. તે મુજબ જરૂરી પગલાં લેવામાં આવશે,’ એમ બોર્ડિકરે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે આરોગ્ય તપાસ કરવામાં આવી છે અને ઉમેર્યું હતું કે સરકાર નિયમિતપણે શિવ ભોજન અને મધ્યાહન ભોજન સહિત વિવિધ ખાદ્ય વિતરણ યોજનાઓ લાગુ કરે છે, જેનાથી ઉચ્ચ ગુણવત્તાવાળા અનાજની ખાતરી થાય છે.

આ પણ વાંચો: GOOD NEWS: દેશમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં થયો વધારો પણ તેલીબિયામાં ઘટાડો…

‘આ યોજનાઓ દ્વારા વિતરણ કરાયેલા ખોરાકની ગુણવત્તા સુનિશ્ર્ચિત કરવા માટે અમે દેખરેખ પદ્ધતિઓને મજબૂત બનાવી રહ્યા છીએ. વધુમાં, આશ્રમ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં મધ્યાહન ભોજન કાર્યક્રમો માટે કડક સ્વચ્છતાની સૂચનાઓ જારી કરવામાં આવી છે. સ્વચ્છતાના ધોરણો જાળવવામાં કોઈપણ બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે,’ એમ બોર્ડીકરે જણાવ્યું હતું.

કેટલાક નિષ્ણાતોએ અચાનક વાળ ખરવાનું કારણ પંજાબ અને હરિયાણાથી મેળવેલા અને સ્થાનિક રેશનિંગની દુકાનોમાંથી વિતરિત કરવામાં આવેલા ઘઉંમાં સેલેનિયમનું પ્રમાણ વધારે હોવાને ગણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button