થાણેમાં જિમ ટ્રેઇનર પાસેથી પ્રતિબંધિત કેમિકલ ઇન્જેકશનનો જથ્થો જપ્ત કરાયો…

થાણે: થાણેમાં બ્લડ પ્રેશર વધારવા માટે ઉપયોગમાં લેવાતાં પ્રતિબંધિત કેમિકલ ઇન્જેકશનનો મોટો જથ્થો જિમ ટ્રેઇનર પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો, જે પ્રિસ્ક્રિપ્શન વિના બોડીબિલ્ડરોને વેચવામાં આવી રહ્યો હતો.
પોલીસ ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મંગળવારે રાતના વાગલે એસ્ટેટ વિસ્તારમાં 32 વર્ષના જિમ ટ્રેઇનરના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
સિનિયર ઇન્સ્પેક્ટર સલિલ ભોસલેએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મેફેન્ટરમાઇન સલ્ફેટ ઇન્જેકશનની 290 બોટલ જપ્ત કરવામાં આવી હતી, જે શેડ્યુલ એચ ડ્રગ અને માત્ર મેડિકલ પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાય છે. જપ્ત કરાયેલા સ્ટોકની કિંમત 1.07 લાખ રૂપિયા થાય છે, એમ પણ તેમણે કહ્યું હતું.
આ પ્રકરણે જિમ ટ્રેઇનરની અટકાયત કરવામાં આવી હતી અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ ભોસલેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…ફૂડ ડિલિવરી એજન્ટ સહિત બેની ધરપકડ: ચાર કરોડનું મેફેડ્રોન જપ્ત