કોને ઉધઇ અને શરદ પવાર-ઉદ્ધના માણસો કહ્યા સદાવર્તેએ?
મુંબઈ: પોતાની લાંબા સમયથી પૂરી ન થયેલી માગણીઓને પગલે એસટી કામગાર સંગઠન દ્વારા મંગળવારથી બેમુદત હડતાળ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ મુદ્દામાં રાજકીય પક્ષોએ પણ દખલ દેતા આંદોલનને રાજકીય સ્વરૂપ મળી શકે છે. જાણીતા વકીલ ગુણરત્ન સદાવર્તેએ આ આંદોલનને રાજકીય ગણાવી આંદોલન પાછળ મહાવિકાસ આઘાડીનો હાથ હોવાનું જણાવતા વિવાદ ઊભો થવાની શક્યતા છે.
આ પણ વાંચો : એસટી બસની હડતાળને મિશ્ર પ્રતિસાદ, તહેવાર ટાણે લોકો અટવાયા
આંદોલન કરનારા કર્મચારીઓ રાજકીય હોવાનો આરોપ મૂકતા સદાવર્તેએ જણાવ્યું હતું કે જે લોકો આંદોલન કરી રહ્યા છે તે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીથી જોડાયેલા છે. એસટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા અને આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો આંદોલન કરી રહ્યા છે. નોકરી પર હોવા છતાં લાંબી રજા લઇને મજા કરનારા લોકો કરી રહ્યા છે.
આ પણ વાંચો : મરાઠા અનામતના નેતા જરાંગે વિરુદ્ધ છેતરપિંડીનો કેસ રદ કરવા અરજી
સદાવર્તેએ આરોપ મૂકતા જણાવ્યું હતું કે જે કૃતિ સમિતીએ આ આંદોલન પોકાર્યું છે તે કૃતિ સમિતી નહીં, કીડા(જંતુ) સમિતી છે. આ લોકો પાંચ ટકા મલાઇ ખાનારા લોકો છે. લેખિતમાં લખી આપતા વખતે તેમણે ફક્ત એટલું જ લખ્યું હતું કે તે ધરણા આંદોલન કરવાના છે. જોકે, હવે તેઓ અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. આ લોકો એસટીની નોકરી પર લાગેલી ઉધઇ સમાન છે.
સુપ્રિયા સુળે પર નિશાન સાધતા સદાવર્તેએ જણાવ્યું હતું કે સુપ્રિયા સુળે કહે છે કે અમે ગામેગામ સુધી એસટી પહોંચાડીશું, પરંતુ જ્યારે 124 એસટી કર્મચારીઓએ આત્મહત્યા કરી ત્યારે તે ક્યાં હતા? ત્યારે શરદ પવાર શાંતપણે કેમ બેઠા હતા? જે લોકો આંદોલન કરી રહ્યા છે તે જવાબદારીથી ભાગનારા અને એસટી કર્મચારીઓની નોકરીઓ જોખમમાં મૂકનારા માણસો છે.