ગરમીને ગણકાર્યા વિના ગુજરાતીઓ ઉમટ્યા મતદાન કરવા
હાથ પંખો, ઇલેક્ટ્રિક ફેન લઇ મતદાન કરવા પહોંચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આપણે ગુજરાતીઓ માટે હંમેશાથી ‘મોજીલા ગુજરાતી’ શબ્દ સાંભળતા આવ્યા છીએ અને ખાવા-પીવાની વાત હોય કે પછી આરામ અને સુવિધાઓની વાત, ગુજરાતીઓ હંમેશા પોતાનો અનુભવ સુખદ રહે તેના સતત પ્રયાસમાં હોય છે. જોકે, જ્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો સમય આવે કે પોતાના ‘કમ્ફર્ટ ઝોન’ની બહાર જઇને પોતાની ફરજ બજાવવાની વાત આવે ત્યારે ગુજરાતીઓ ક્યારેય પાછળ નથી હટતા અને મક્કમતાથી સમાજ અને દેશ માટે ઊભા રહે છે. આવો જ નજારો ગઇકાલે મંગળવારે મુંબઈમાં યોજવામાં આવેલા મતદાન દરમિયાન જોવા મળ્યો.
મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન એટલે કે થાણે, કલ્યાણ, ભિવંંડી જેવા વિસ્તારોમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટ્યા હતા. આગ ઝરતી ગરમી, તાપમાં પણ ગુજરાતીઓ દેશના નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવા માટે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
મતદાન કેન્દ્રોમાં પંખાઓ ન હોવા, સિનિયર સિટીઝન માટે ખુરશીઓની વ્યવસ્થા ન હોવી, પીવાના પાણીની યોગ્ય સુવિધા ન હોવી, આ તમામ અવ્યવસ્થા અને અગવડતાને નજરઅંદાજ કરીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ગુજરાતીઓએ ગુજરાતીઓનું ગૌરવ સાચવ્યું હતું.
ગરમીનો કહેર વર્તાશે જ તેની અગમચેતી રાખીને અમુક લોકો તો પહેલાથી જ હાથ પંખો લઇને મતદાન કેન્દ્રમાં પહોંચ્યા હતા. જોકે, પરસેવે રેબઝેબ થતા જતા, પસીનો લૂંછતા, વારંવાર સાથે લાવેલી બોટલમાંથી પાણી પીતા પીતા અંતે મતદાન કરીને જ ગુજરાતીઓ મતદાન કેન્દ્રની બહાર આવ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે પોતે દેશના વિકાસમાં ભાગીદાર થયાનો સંતોષ અનુભવ્યો હતો.
ઇલેક્ટ્રિક પંખો લઇને પહોંચ્યા મતદાન કેન્દ્રમાં
વ્યવસાયે એકાઉન્ટન્ટ એવા બાવન વર્ષના અનિલ કુમાર બોરીવલીના આનંદીબાઇ કાળે કૉલેજ ખાતે આવેલા મતદાન કેન્દ્રમાં મીની ઇલેક્ટ્રિક પંખો લઇને પહોંચ્યા હતા અને તેની મદદથી ગરમીનો સામનો કરી તેમણે મતદાન કર્યું હતું. તેમણે ‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ગરમી તો થાય પણ મતદાન તો કરવું જ પડે. તેના કર્યા વિના તો ઘરે પાછા જવાય જ નહીં. આ તો આપણી ફરજ છે.