Top Newsઆમચી મુંબઈ

દેશનું સંચાલન કરનારા બે ગુજરાતીઓ પણ આર્થિક રાજધાનીમાં ગુજરાતીઓની અવહેલના…

મુંબઈમાં રાજકીય પક્ષો દ્વારા ગુજરાતીઓની અવગણના/અવહેલના એક સમયે શહેરના અડધોઅડધ નગરસેવકો ગુજરાતી હતા અને હવે 30 ટકા ગુજરાતીનું પ્રતિનિધિત્વ કરે છે ફક્ત 10 ટકા નગરસેવકો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશના ટોચના બે સત્તા સ્થાનો પર બે ગુજરાતીઓ બેઠા છે અને આખા દેશનું સૂચારુ સંચાલન કરી રહ્યા છે, ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ, જેને મુંબઈ બનાવવામાં ગુજરાતી-પારસીઓનું અમુલ્ય યોગદાન છે ત્યાં જ ગુજરાતીઓની રાજકીય પરિપ્રેક્ષ્યમાં અવગણના/અવહેલના થતી જોવા મળી રહી છે. કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષોની સ્થાપના અને વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન રહેલું છે. બંને પાર્ટીના પહેલા નગરસેવક (જનપ્રતિનિધિ) ગુજરાતી હતા આમ છતાં અત્યારે બંને પાર્ટીના પટલ પરથી ગુજરાતીઓનો એકડો કાઢી નાખવામાં આવતો જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના વખતે મુંબઈના રાજકીય પટલ પર અડધોઅડધ નગરસેવકો ગુજરાતી હતા અને ત્યાર બાદ પણ વર્ષો સુધી મુંબઈમાં ગુજરાતીઓની નોંધપાત્ર હાજરી રાજકીય પટલ પર જોવા મળતી હતી, પરંતુ આજે મુંબઈના રાજકીય પટલ પરથી ગુજરાતીઓનું અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. મુંબઈની વસ્તીમાં લગભગ ત્રીસ ટકા હોવા છતાં ગુજરાતીઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવા માટે બધી જ રાજકીય પાર્ટીઓ હાથ પાછા ખેંચી રહી છે.

એક સમયે કૉંગ્રેસમાં અનેક ગુજરાતી નેતાઓ હતા અને મોરારજી દેસાઈ તેમનું નેતૃત્વ કરતા હતા, આઝાદીની લડાઈના સમયથી ગુજરાતી-પારસીઓ-મારવાડીઓ કૉંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ બાદ પણ મુંબઈ જ નહીં, રાજ્યના અનેક વિસ્તારોમાં ગુજરાતીઓની હાજરી જોવા મળતી હતી. 1960- 1970ના દાયકાઓમાં મુંબઈના અડધોઅડધ નગરસેવકો ગુજરાતી હતા.

શિવસેનાના ઉદય પછી મરાઠીવાદનો ઝંડો ઉંચકવામાં આવ્યો ત્યારબાદ પણ મુંબઈમાં ગુજરાતીઓ રાજકીય ફલક પર જોવા મળતા હતા. 1968માં પહેલી વખત મુંબઈ મનપા ચૂંટણી પૂર્ણ સ્તરે લડવામાં આવી તે પહેલાં મુંબઈના 21 મેયરમાંથી 15 ગુજરાતીઓ હતા.

1980ના દાયકામાં મરાઠીઓને વોટ બેન્ક તરીકે ધ્યાનમાં લેવામાં આવ્યું ત્યારબાદ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ સતત ઘટતું જોવા મળ્યું હતું. આમ છતાં તે સમયે મુંબઈ પાલિકામાં 30 ટકા ગુજરાતી/મારવાડીઓ નગરસેવક હતા.

mns raj thackeray

2012માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો જન્મ થયો અને રાજ ઠાકરેના આકરા મરાઠીવાદનો સામનો કરવા માટે બધા જ રાજકીય પક્ષોએ પોતાના સંગઠનમાં પણ મરાઠીવાદ અપનાવવાનું ચાલુ કરી દીધું હોવાનું જોવા મળ્યું હતું. એક સમયે જે ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ પાર્ટી ગુજરાતીઓનું આશ્રયસ્થાન ગણાતી હતી તે જ પાર્ટીઓમાં પણ ગુજરાતીઓને સ્થાને મરાઠીઓને પ્રાધાન્ય આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

એક સમયે જે ભાજપ 60 ગુજરાતી ઉમેદવારને ટિકિટ આપતી હતી તેણે સંખ્યા ઘટાડતા-ઘટાડતા 36, 27 કરી નાખી હતી અને 2017માં તો ફક્ત બાવીસ ગુજરાતીને ઉમેદવારી આપી હતી. આવી જ રીતે કૉંગ્રેસ પાર્ટી જે મુંબઈમાં ગુજરાતી ઉમેદવારો મોટી સંખ્યામાં ઊભા રાખતી હતી તેણે પણ 2017માં ગણીને સાત ગુજરાતી ઉમેદવારો આપ્યા હતા. અવિભાજિત શિવસેના દ્વારા પણ ત્રણેક ગુજરાતી ઉમેદવાર આપવામાં આવ્યા હતા.

અત્યારે વિધાનસભામાં ફક્ત ત્રણ જ ગુજરાતી છે. સંસદસભ્ય એકેય ગુજરાતી નથી. જે રીતે ધીરે ધીરે રાજકીય પક્ષોમાં ગુજરાતીઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી પાલિકાની ચૂંટણીઓમાં કેટલા ગુજરાતીઓને ઉમેદવારી આપવામાં આવે છે તે જોવાનું રહેશે.

શહેરની ત્રીસ ટકા વસ્તીને તેમની વસ્તીની સરખામણીમાં ઉમેદવારી આપવામાં આવે તો ઓછામાં ઓછા 70 ઉમેદવારો દરેક પાર્ટી દ્વારા ઊભા કરવામાં આવવા જોઈએ, પરંતુ જે રીતે બધી રાજકીય પાર્ટીઓ દ્વારા મરાઠીવાદ કરવામાં આવી રહ્યો છે તેને કારણે ગુજરાતીઓને હળાહળ અન્યાય થાય એવી સંભાવના જોવામાં આવી રહી છે.

સામાન્ય રીતે વિધાનસભ્યો પોતાના મતદારસંઘમાં આવતા પાલિકા વોર્ડમાં ઉમેદવાર નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં જોવા મળ્યું છે કે ગુજરાતી વિધાનસભ્યો જ પોતાના મતવિસ્તારના વોર્ડમાં ગુજરાતી ઉમેદવાર આપવાનો આગ્રહ રાખવાને બદલે મરાઠી ઉમેદવારની તરફેણ કરતા જોવા મળે છે.

અત્યારે મુંબઈ સમાચાર દ્વારા ત્રણ ગુજરાતી વિધાનસભ્યોના વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું હતું કે સંભવિત ગુજરાતી ઉમેદવારો કરતાં મરાઠી અને હિન્દીભાષી ઉમેદવારો પર ગુજરાતી વિધાનસભ્યો પસંદગી ઉતારી રહ્યા છે.

જે રીતે વિધાનસભામાં ગુજરાતી બહુમતી બોરીવલી વિસ્તારમાં આયાતી ઉમેદવાર સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપવામાં આવી હતી તેવી રીતે અનેક આયાતી ઉમેદવારોને સ્થાન આપીને ગુજરાતીઓનું પત્તું કાપવામાં આવશે. ભાજપના મુંબઈ અધ્યક્ષ અમિત સાટમનું ગુજરાતી વિરોધી વલણ જાણીતું છે અને કૉંગ્રેસમાં એવી માનસિકતા પ્રવર્તી રહી છે કે બધા જ ગુજરાતીઓ ભાજપને જ મતદાન કરે છે એટલે એ લોકો પણ આ વખતે ગુજરાતીની અવગણના કરી રહ્યા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button