ગુજરાતી વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીની હત્યા કરનારો ઉત્તર પ્રદેશમાં પકડાયો
ભાડુઆતે જ લૂંટને ઇરાદે માથામાં હથોડો ફટકારી કરી હત્યા: જમીન પરના લોહીના ડાઘ લૂંછ્યા પછી આરોપી નાહીને ઘરની બહાર નીકળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજકોટના વતની ગુજરાતી દંપતીની અને તેમની પુત્રીની પાલઘર જિલ્લાના વાડા સ્થિત ઘરમાં કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયેલા ભાડુઆતને પોલીસે ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. લૂંટને ઇરાદે માથામાં હથોડો ફટકારી ત્રણ જણની હત્યા કરનારા આરોપીએ જમીન પર પડેલા લોહીના ડાઘ તો લૂંછ્યા પણ પોતે પણ નાહીને જ ઘરમાંથી નીકળ્યો હતો.
વાડા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ આરીફ અન્વર અલી (30) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં ગૌરા મેંદુઆ ગામનો વતની અલી પત્ની અને સંતાનો સાથે રાઠોડ પરિવારના ઘરના માળિયા પર ભાડેથી રહેતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વાડાના નેહરોલી ગામમાં રહેતા મુકુંદ બેચરદાસ રાઠોડ (75), પત્ની કાંચન રાઠોડ (72) અને પુત્રી સંગીતા રાઠોડ (52)ના મૃતદેહના અવશેષ 30 ઑગસ્ટે ઘરમાંથી મળી આવ્યા હતા. વિરારમાં રહેતો પુત્ર પંકજ વારંવાર ફોન કરી રહ્યો હતો છતાં પરિવારના કોઈ સભ્ય કૉલ રિસીવ કરતા નહોતા. પરિણામે પંકજે 20 ઑગસ્ટે પડોશીને ફોન કરીને તપાસ કરવાનું કહ્યું હતું. રાઠોડના ઘરના દરવાજાને તાળું હોવાનું પડોશીએ કહ્યું હતું. 30 ઑગસ્ટે પંકજ અને રાજકોટમાં રહેતો તેનો ભાઈ સુહાસ વાડા આવ્યા ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી.
આ પણ વાંચો :મેટ્રો માટે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટથી મુકિત્ મળશે મુંબઈગરાઓને
પ્રાથમિક તપાસમાં રાઠોડ પરિવારના ઘરના માળિયા પર રહેતો અલી ગુમ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. શંકાને આધારે મોબાઈલ લૉકેશન તપાસતાં તે વતન ઉત્તર પ્રદેશ ગયો હોવાનો અંદાજ પોલીસે લગાવ્યો હતો. પોલીસની એક ટીમ અલીના ગામે પહોંચી હતી, પરંતુ અલી ત્યાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. આખરે વાડા પોલીસે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી તપાસ કરતાં અલી મેજા પોલીસની હદમાંથી મળી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અલી ગામ જવાનું વિચારી રહ્યો હતો, પરંતુ જતાં જતાં રાઠોડના ઘરમાંથી રૂપિયા અને દાગીના ચોરવાનો તેનો ઇરાદો હતો. ઘટનાની બપોરે એક વાગ્યાની આસપાસ હથોડો પાછો આપવાને બહાને અલી રાઠોડના ઘરમાં પ્રવેશ્યો હતો. તે સમયે મુકુંદ કામ નિમિત્તે બહાર ગયા હતા. આરોપીએ સૌપ્રથમ સંગીતાના માથા પર બેથી ત્રણ વાર હથોડાના પ્રહાર કર્યા હતા. સંગીતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યા પછી બેડ પર સૂતેલી તેની માતા કાંચનની હત્યા કરવામાં આવી હતી.
હત્યા પછી આરોપીએ બન્નેના મૃતદેહને એક પેટીમાં ભર્યા હતા. મૃતદેહોને ચાદર અને કપડાંથી ઢાંકી દીધા હતા. એ જ સમયે મુકુંદ રાઠોડના સ્કૂટરનો અવાજ સંભળાતાં આરોપી દરવાજાની પાછળ સંતાઈ ગયો હતો. મુકુંદ ઘરમાં પ્રવેશ્યા ત્યારે આરોપીએ હથોડાથી તેમના પર પણ હુમલો કર્યો હતો. મુકુંદના મૃતદેહને બીજી રૂમમાં લઈ ગયા પછી ચાદરથી ઢાંકી આરોપીએ ઘરમાં પડેલા લોહીના ડાઘ લૂંછી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં રાઠોડના ઘરમાં જ નાહીને આરોપી બહાર નીકળ્યો હતો અને પરિવારને લઈ વતન જતો રહ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.