કાંદિવલીમાં 57મા માળેથી ગુજરાતી અભિનેત્રીના દીકરાની મોતની છલાંગ
ટ્યૂશન જવાને મુદ્દે માતા સાથે દલીલબાજી થયા બાદ અંતિમ પગલું ભર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલી પશ્ચિમમાં ગુજરાતી ટીવી સિરિયલની અભિનેત્રીના 14 વર્ષના દીકરાએ બહુમાળી ઇમારત પરથી ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હોવાની ઘટના બુધવારે સાંજે બની હતી. ટ્યૂશન જવાને મુદ્દે માતા સાથે દલીલબાજી થયા બાદ તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ કાંદિવલી પોલીસે એડીઆર દાખલ કરી તપાસ આદરી હતી.
અભિનેત્રીનો દીકરો ઇમારતના 57મા માળેથી નીચે કૂદ્યો હોવાનું કહેવાય છે. જોકે આ ઘટનાનો કોઇ પ્રત્યક્ષદર્શી ન હોવાથી ખરેખર તે કેટલા માળેથી કૂદ્યો તે જાણી શકાયું નહોતું.
કાંદિવલી પશ્ચિમમાં ન્યૂ લિંક રોડ પાસે આવેલી બહુમાળી સિદ્ધ સીબ્રૂક ઇમારતના 51મા માળે રહેતી ગુજરાતી અભિનેત્રીના એકમાત્ર દીકરાએ બુધવારે સાંજે છ વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી. આ અભિનેત્રીના છૂટાછેડા થયા છે.
આ પણ વાંચો: હ્રદય કંપાવતી ઘટના! પિતાએ પોતાના 4 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! બાદમાં પોતે પણ…
અભિનેત્રીનો દીકરો નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને બુધવારે સાંજે માતાએ તેને ટ્યૂશન ક્લાસ જવા માટેે કહ્યું હતું, પણ તેને ટ્યૂશન ક્લાસ જવું નહોતું, જેને કારણે તેમની વચ્ચે દલીલબાજી થઇ હતી. બાદમાં તે ઘરેથી નીકળ્યો હતો અને ઇમારત પરથી ઝંપલાવી દીધું હતું.
અવાજ સાંભળીને રહેવાસીઓ તેમ જ સિક્યુરિટી ગાર્ડ દોડી આવતાં સગીર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં એક રહેવાસીએ અભિનેત્રીને જાણ કરી હતી કે તેનો પુત્ર ઇમારત પરથી પડી ગયો છે. આ સાંભળીને તેને આઘાત લાગ્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં કાંદિવલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં મોકલ્યા બાદ તપાસ હાથ ધરી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી અમને કોઇ પણ પ્રકારની શંકાસ્પદ બાબત જણાઇ નથી. આ ઘટનાનો કોઇ સાક્ષીદાર ન હોવાથી શક્ય એટલા તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. સગીર શા માટે ટ્યૂશનમાં જવાનું કેમ ટાળી રહ્યો હતો તે જાણવા માટે અમે તેના મિત્રો તથા ટ્યૂશન ક્લાસમાં તપાસ કરીશું.