આઈએસઆઈએસના આતંકવાદીઓની ગુજરાત અને મહારાષ્ટ્રમાં બૉમ્બ બ્લાસ્ટની યોજના હતી
મુંબઈ: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ સિરિયા (આઈએસઆઈએસ)ના પુણેથી પકડાયેલા આતંકીઓએ મુંબઈ, પુણે અને ગુજરાતનાં મુખ્ય શહેરોમાં બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે કોલ્હાપુર, સાતારા જિલ્લાનાં જંગલોમાં ધડાકાનું પરીક્ષણ પણ કરાયું હતું. આરોપીઓએ પુણેના કોંઢવા પરિસરમાં બૉમ્બ બનાવવાની તાલીમ લીધી હોવાનું નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ વિશેષ અદાલતમાં રજૂ કરેલા પૂરક આરોપનામામાં જણાવ્યું હતું. એનઆઈએએ મુંબઈની વિશેષ અદાલતમાં ચાર આતંકવાદીઓ વિરુદ્ધ ત્રીજું પૂરક આરોપનામું દાખલ કર્યું હતું.
પૂરક આરોપનામામાં મોહમ્મદ શાહનવાઝ આલમ, રિઝવાન અલી, અબદુલ્લાહ શેખ અને તલાહ લિયાકત ખાનનાં નામનો ઉલ્લેખ છે. એનઆઈએએ આ પહેલાં મોહમ્મદ ઈમરાન મોહમ્મદ યુસુફ ખાન ઉર્ફે મટકા, મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ સાકી ઉર્ફે અદિલ, કાદીર દસ્તગીર પઠાણ ઉર્ફે અબ્દુલ કાદીર, સમીબ નાસીરઉદ્દીન કાઝી, ઝુલ્ફીકાર અલી બરોડાવાલા ઉર્ફે લાલાભાઈ, શમીલ સાકીબ નાચન અને આકિફ અતિક નાચન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આતંકવાદીઓ મહારાષ્ટ્રમાં આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરીને યુવાનોને ઉશ્કેરવાની કામગીરી કરતા હતા.
આરોપીઓએ મુંબઈ, પુણે સહિત ગુજરાતનાં મુખ્ય શહેરોમાં બૉમ્બધડાકાનું કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં જણાયું હતું. પકડાયેલા આરોપી વિદેશમાં આઈએસઆઈએસના સાગરીતના સંપર્કમાં હોવાનું તપાસમાં જણાયું હતું. એક ઍપના માધ્યમથી તે સંપર્કમાં હતા. કોલ્હાપુર, સાતારાનાં જંગલોમાં નિયંત્રિત બ્લાસ્ટનું પરીક્ષણ સુધ્ધાં કરવામાં આવ્યું હતું, એવું પૂરક આરોપનામામાં જણાવાયું હતું.