સરકારની માલશેજ ઘાટ ખાતે કાચનો‘સ્કાયવોક’ બનાવવા મંજૂરી
મુંબઈ: રાજ્ય સરકારે થાણે જિલ્લાના સહ્યાદ્રી પર્વતોમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ માલશેજ ઘાટમાં પ્રવાસન સંકુલના ભાગ રૂપે ૧૧૫-મીટર લાંબો ‘ઓ’ આકારનો કાચનો સ્કાયવોક બનાવવાની મંજૂરી આપી છે. આ સ્કાયવોક, ૪.૯૬ હેક્ટરમાં ફેલાયેલો હશે અને ખાનગી સંસ્થાઓ સાથે ભાગીદારીમાં બાંધવામાં આવશે, તે પહાડોની મનોહર દૃશ્ય પ્રદાન કરશે, એમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે આ સપ્તાહની શરૂઆતમાં એક બેઠક દરમિયાન રૂ.૨૬૬ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને સત્તાવાળાઓને નજીકના ડેમમાં બોટિંગની સુવિધા અને માલશેજ ખાતે મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન રિસોર્ટમાં રહેવાની સુવિધા ઉમેરીને પ્રોજેક્ટનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. સરકારને આશા છે કે વૈશ્ર્વિક કંપનીઓ આ પ્રોજેક્ટમાં ભાગ લેશે અને ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
ચીનમાં બે સ્કાયવોક, કેન્ડામાં એક અને મલેશિયામાં સ્કાયબ્રિજનો અભ્યાસ કરીને સ્કાયવોકની દરખાસ્ત કરવામાં આવી છે. તે કમિશનિંગની તારીખથી બે વર્ષમાં તૈયાર થવાની અપેક્ષા છે, જેમાં રાજ્ય સરકાર પ્રોજેક્ટ ખર્ચના ૨૫ ટકા વહન કરશે, અને બાકીની રકમ બિડર દ્વારા ઊભી કરવામાં આવશે, જેઓ કામગીરીની જવાબદારી પણ ઉઠાવશે.
સ્કાયવોકમાં મ્યુઝિયમ, કોફી શોપ, વેઈટીંગ લાઉન્જ અને એસ્કેલેટર હશે. સરકારે વિસ્તારની પ્રવાસન ક્ષમતાને વેગ આપવા માટે હેલિપેડ, હોટ એર બલૂન, ઝિપ લાઇન, એમ્ફીથિયેટર, ગેઝેબોસ, ઓપન એર વ્યુપોઇન્ટ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જેવી અન્ય સુવિધાઓની દરખાસ્ત કરી છે.
માલશેજ ઘાટ મુંબઈથી લગભગ ૧૫૦ કિમી અને પુણેથી ૧૩૦ કિમી દૂર સ્થિત છે. તે ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓ અને ટ્રેકર્સમાં લોકપ્રિય છે.