ગેરકાયદે બાંધકામો પર સરકાર અને રેરા જવાબ આપે: હાઈ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે બાંધકામો પર લગામ તાણવા માટે આવેલી જનહિતની અરજી પર સુનાવણી કરતા રેરા અને રાજ્ય સરકારને સોગંદનામું આપવાનો નિર્દેશ આપ્યો હતો. અરજીમાં બનાવટી દસ્તાવેજો દ્વારા રેરા રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ મેળવવા પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે. આ માટે અસરકારક વ્યવસ્થા બનાવવા માટેનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.
જનહિતની અરજીની સુનાવણી સમયે રેરાના વકીલ એ.કે. સક્સેનાએ જણાવ્યું હતું કે સરકારે આ મુદ્દે ૨૩મી ફેબ્રુઆરીના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો. ત્યાર બાદ રેરાએ પણ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. રેરા અને સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવા માટે વકીલે ચાર અઠવાડિયાંનો સમય માગ્યો છે. દરમિયાન આ મુદ્દે બીજી વાર સ્ક્રૂટિની કરવાની તાકીદ કોર્ટે કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કલ્યાણ-ડોંબિવલી વિસ્તારમાં મોટા પ્રમાણમાં એવા અનેક પ્રોજેક્ટ મળી આવ્યા છે જે બનાવટી દસ્તાવેજોના આધાર પર રેરાનું રજિસ્ટ્રેશન મેળવ્યું છે. બનાવટી દસ્તાવેજોમાં સીસી અને મંજૂર પ્લાનનો પણ સમાવેશ થાય છે.