20મી ફેબ્રુઆરીના મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો સરકારનો નિર્ણય

મુંબઈ: મરાઠા અનામત વિેશે ફેંસલો લેવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વીસમી ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંડળની બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો હતો.
મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે મરાઠા નેતા મનોજ જરાંગેએ અમુદત ભૂખ હડતાળ શરૂ કરી હોવાને પગલે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દરમિયાન મરાઠા અનામત બાબતે મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઇ કોર્ટને જણાવ્યું હતું કે પાત્ર ઠરેલા મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપી તેમને ઓબીસી (અન્ય પછાત વર્ગ)ની શ્રેણીમાં સામેલ કરવા માટે જરૂરી દરેક પગલાં લઇ રહી છે.
મનોજ જરાંગેની ભૂખ હડતાળને બુધવારે પાંચમો દિવસ થયો હતો. સરકારે હાઇ કોર્ટમાં દાખલ કરેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર મરાઠાઓને કુણબી જાતિ સર્ટિફિકેટ આપવા માટે નિયમોમાં સંશોધન કરવા સહિત તમામ જરૂરી પગલા લઇ રહી છે.
સરકારને જરાંગેના સ્વાસ્થ્યની પણ ચિંતા છે અને તેમણે સરકાર દ્વારા ચિકીત્સા-સહાય સ્વીકારવી જોઇએ. કાયદાની એક સમય સીમા હોય છે. આવી પરિસ્થિતિમાં ભૂખ હડતાળ ઉપર ઉતરવાથી પરિસ્થિતિ સારી થવાને બદલે મુશ્કેલીઓ વધશે.