નકસલવાદીઓની વિચારધારા ભાંગવામાં સરકાર સફળઃ એકનાથ શિંદે

યશ રાવલ
નવી દિલ્હી: હજી શુક્રવારે જ આપણા સુરક્ષા દળોના હાથે 31 નક્સલવાદીઓ હણાયા હતા અને ડાબેરી ઉગ્રવાદ વિરુદ્ધ એક મોટી જીત ભારતીય સુરક્ષા દળોને મળી હતી ત્યારે ડાબેરી આતંકવાદને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે એક મહત્ત્વની બેઠક નવી દિલ્હીમાં યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા અને લેફ્ટ એક્સ્ટ્રીમિસમ એટલે કે ડાબેરી ઉગ્રવાદ વિરુદ્ધ રણનીતિ ઘડી હતી અને તેનો સંપૂર્ણપણે નાશ કરવા માટે મહત્ત્વપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રસ્તાઓ, આરોગ્ય સુવિધા, શિક્ષણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને આમ કરીને નક્સલવાદી વિચારસરણીની કમર ભાંગવામાં મોટી સફળતા મેળવી છે. આ ભાગોમાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓ પૂરી પાડીને ઉત્તર ગઢચિરોલીમાંથી ઉગ્રવાદીઓનો ખોફ સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં અમિત શાહના નેતૃત્વ હેઠળ નક્સલગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાના લેવામાં આવેલા પગલાંઓ વિશે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, જે. પી. નડ્ડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
નક્સલવાદીઓના નાકે દમ 2014 બાદ
શિંદેએ જણાવ્યું હતું કે નક્સલગ્રસ્ત વિસ્તારોમાં સશસ્ત્ર માઓવાદીઓ-નક્સલવાદીઓને કાબૂમાં લેવાનું કામ મહારાષ્ટ્ર સરકારે ખૂબ જ સારી રીતે કર્યું છે. 2014 બાદ નક્સલવાદીઓના નાકે દમ આવી ગયો છે. 2013માં સશસ્ત્ર માઓવાદીઓ કેડરની સંખ્યા 550 હતી જે આજે ઘટીને 53 થઇ ગઇ છે.