સરકારે એમએમઆરડીએને આપ્યા રૂ. 248 કરોડ
સ્ટેમ્પ ડ્યૂટીમાં લગાડવામાં આવેલા એક ટકા અધિભારની રકમ મેટ્રોના કામ માટે વપરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મનપા કાયદો 1888 અને મહારાષ્ટ્ર મહાનગરપાલિકા કાયદા 1949ની જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલા રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી નાગરી પરિવહન પ્રોજેક્ટ સંબંધિત મનપા વિસ્તારમાં સ્થાવર મિલકતોના વેચાણ, દાન અને ટ્રાન્સફર સંબંધી દસ્તાવેજો પર લેવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી પર એક ટકા વધારાનો સેસ લાદવામાં આવ્યો હતો અને તેના આધારે મળેલી રકમના ભાગરૂપે પહેલી નવેમ્બરે એમએમઆરડીએને રૂ. 248 કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યા મુજબ 2023-24ના બજેટની જોગવાઈમાં મંજૂર કરવામાં આવ્યા મુજબ 18 સપ્ટેમ્બર, 2023 અને 23 ઑક્ટોબર, 2023ના સરકારના નિર્ણય અનુસાર અનુક્રમે રૂ. 181.05 કરોડ અને રૂ. 150 કરોડનું ભંડોળ વિતરિત કરવામાં આવ્યું છે. આ રકમમાંથી મેટ્રો પ્રોજેક્ટના કામ કરવાનું બંધનકારક હોવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.