સરકારે 'ડિજિટલ ટ્રેકિંગ' દ્વારા દવાઓમાં રહેલા ઝેરી રસાયણો પર લગામ તાણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સરકારે ‘ડિજિટલ ટ્રેકિંગ’ દ્વારા દવાઓમાં રહેલા ઝેરી રસાયણો પર લગામ તાણી

મુંબઈ: મધ્યપ્રદેશમાં ડાયથિલિન ગ્લાયકોલ (ડીઈજી) દૂષિત કફ સિરપના કારણે ૨૦ થી વધુ બાળકોના મૃત્યુ થયા બાદ સરકાર હવે સફાળી જાગી છે. સરકારે હવે દેશમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા જોખમી દ્રાવકોની સપ્લાય ચેઇન પર ડિજિટલ નિયંત્રણ લાધ્યું છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ડિજિટલ પોર્ટલ, ઓનલાઈન નેશનલ ડ્રગ્સ લાઇસન્સિંગ સિસ્ટમ પર ઉચ્ચ જોખમ ધરાવતા સૉલ્વન્ટ્સના પુરવઠા અને ગુણવત્તા પર ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવા માટે નિર્દેશો જારી કર્યા છે.

ડાયથાઈલ ઈથર એક મીઠી-સ્વાદવાળું પરંતુ અત્યંત ઝેરી રસાયણ છે જેનો ઉપયોગ મુખ્યત્વે ઔદ્યોગિક દ્રાવક તરીકે થાય છે. ૧૯૩૭ માં, અમેરિકામાં એક જ દવાથી ૧૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, ભારતમાંથી નિકાસ થતી કફ સિરપને કારણે ૨૦૨૨-૨૪ દરમિયાન ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં ૧૪૧ બાળકોના મૃત્યુ થયા હતા. ભારત સરકારે હવે ઔષધ સુરક્ષા પર કડક લગામ તાણી છે.

આપણ વાચો: ઉત્તર પ્રદેશમાંથી 3 કરોડની પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો જપ્ત, ત્રણ લોકોની ધરપકડ…

ડીસીજીઆઈના વડા ડૉ. રાજીવ સિંહ રઘુવંશીએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રોપીલીન ગ્લાયકોલ જેવા ઉચ્ચ જોખમી દ્રાવકોની સપ્લાય ચેઇન, અને ગુણવત્તા નિયંત્રિત કરવા માટે ઓએનડીએલએસ પોર્ટલ પર એક અલગ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

આ સિસ્ટમ દ્વારા, દરેક ઉત્પાદકે તેમના ઉત્પાદન બેચ, જથ્થા અને ઓએનડીએલએસ ને વેચનારા વિક્રેતાઓની વિગતો અપલોડ કરવાની રહેશે. જે ઉત્પાદક પાસે પહેલેથી જ લાઇસન્સ હોય, તેણે જૂના લાઇસન્સ મેનેજમેન્ટ હેઠળ પણ માહિતી સબમિટ કરવી પડશે. કેન્દ્રએ શેડ્યૂલ એમ હેઠળ દવા ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવા માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે.

ઓએનડીએલએસ એ સીડેક (સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ) અને સીડીએસસીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા વિકસાવવામાં આવેલ એક સંકલિત ડિજિટલ પોર્ટલ છે. આ પોર્ટલ દેશભરમાં ડ્રગ અને કોસ્મેટિક લાઇસન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે કામ કરે છે. આ નવા સુધારાઓના અમલીકરણ પછી, દેશના લગભગ ૮૦૦ સોલ્વન્ટ ઉત્પાદકો અને ૫,૦૦૦ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ નોંધણી કરાવવી પડશે.

આપણ વાચો: MP કફ સિરપ કાંડ બાદ WHOની ચેતવણી! ભારતમાં બનેલી 3 સિરપને જોખમી ગણાવી

ભારતની દવા નિકાસ લગભગ ૨.૨ લાખ કરોડ રૂપિયાની છે અને વિશ્વના ૨૦૦ દેશોમાં દવાઓ સપ્લાય કરવામાં આવે છે. તેથી દવાઓની ગુણવત્તા એક મહત્વનો મુદ્દો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૦૨૪ના અહેવાલ મુજબ, ભારતમાં ઉત્પાદિત ૫ ટકા દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જાય છે. ઘણા રાજ્યોમાં, દવા કંપનીઓના પ્રમાણપત્ર કાર્યમાં ખામીઓ જોવા મળી છે, જ્યારે ગુણવત્તાયુક્ત દવાઓના અભાવે ૨૦૨૪ માં દેશમાં ૩૫૦ થી વધુ ગંભીર ઝેરના કેસ નોંધાયા છે.

ડીસીજીઆઈએ તમામ ઉત્પાદકોને જાણ કરી છે કે આ ડિજિટલ નિયમોનું પાલન કર્યા વિના બજારમાં કોઈપણ દ્રાવક કે સીરપ મુકવા નહીં. સંબંધિત બેચની વિગતો નોંધ્યા પછી જ વેચાણની મંજૂરી આપવામાં આવશે. રાજ્યના દવા નિયંત્રકોને ઉત્પાદકોનું નિરીક્ષણ, નમૂના પરીક્ષણ અને તાલીમ લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button