આમચી મુંબઈમહારાષ્ટ્ર

મનોજ જરાંગે સામે ઝૂકી સરકાર, મરાઠા સમાજની 13 માગણીઓનો સ્વીકાર

મરાઠા કાર્યકર્તાને મુંબઈ આવતા રોકવામાં સફળતા મળી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મરાઠા અનામત માટેના સૌથી મોટા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલની મક્કમતા સામે આખરે મહારાષ્ટ્ર સરકારને ઝુકવું પડ્યું હતું. મરાઠા સમાજની 13 માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગમે તે હાલતમાં મુંબઈ આવવાની મનોજ જરાંંગે-પાટીલની જાહેરાતને મુદ્દે તેમને સમજાવવામાં સરકાર સફળ થઈ હતી અને તેમને વાશીમાં જ વિજયોત્સવ કરવા માટે સમજાવી લેવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલાં મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે આરક્ષણનો અધ્યાદેશ કાઢવામાં આવશે તો હું ગુલાલ ઉડાવીને ઉજવણી કરવા માટે મુંબઈ આવીશ, પરંતુ તેમની માગણી સ્વીકાર્યા બાદ તેમને વાશીમાં જ ઉજવણી કરવા માટે મનાવી લેવામાં આવ્યા હતા.

શુક્રવારે મધરાત બાદ બે વાગ્યાની આસપાસ મુખ્ય પ્રધાન મનોજ જરાંગે-પાટીલને મળવા ગયા ત્યારે તેમની સાથે રાજ્યના પ્રધાનો દીપક કેસરકર અને મંગલપ્રભાત લોઢા હાજર હતા. સરકારે બધી જ માગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત ખુદ જરાંગે-પાટીલે કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હોવાથી મરાઠા સમાજના આંદોલનને મોટી સફળતા મળી છે.

રાતના આ જાહેરાત કર્યા બાદ બે-ત્રણ કલાકની ઉંઘ લઈને તેઓ વાશીમાં સભાના સ્થળે પહોંચી ગયા હતા અને 11.45 વાગ્યે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે જ્યુસ પીને ઉપવાસ છોડ્યા હતા.

મરાઠા સમાજ દ્વારા કરવામાં આવેલી બધી માગણી અંગે અધ્યાદેશ કાઢવામાં આવ્યો છે એવી જાહેરાત કરતાં જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકારના જાહેરનામાની નકલ મને આપવામાં આવી છે.

વંશાવળી માટે તાલુકા સ્તરે સમિતિ નિયુક્ત કરવામાં આવશે. મરાઠવાડામાં ઓછા પ્રમાણપજ્ઞ મળ્યા તે બાબતે હવે શિંદે સમિતિ ગેઝેટ બહાર પાડીને તેના પર કામ કરશે. વિધાનસભામાં પણ આ સંબંધે કાયદો કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જ આપણું કામ કર્યું છે, એમ પણ તેમણે કહ્યું હતું.

મનોજ જરાંગે-પાટીલે વાશીમાં જ ઉજવણી કરી હતી અને ત્યાંથી તેઓ પાછા પોતાના વતન જવા રવાના થઈ ગયા હતા.

સરકારે કઈ કઈ માગણી સ્વીકારી?

નોંધ મળી હોય તે બધા જ લોકોના પરિવારને કુણબી પ્રમાણપત્ર મળવું જોઈએ. એટલે કે એક જ નોંધ પર પાંચ સંબંધીને પ્રમાણપત્ર મળી શકશે, પરંતુ આને માટે તેમણે અરજી કરવી પડશે. આ જોગવાઈથી બે કરોડ મરાઠા ઓબીસીમાં જશે.


હવે 54 લાખ નહીં, 57 લાખ નોંધ મળી છે. તેમ જ અત્યાર સુધીમાં 37 લાખ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને તેનો ડેટા મનોજ જરાંગે પાટીલે માગ્યો હતો તે માગણી પણ સ્વીકારવામાં આવી છે.


શિંદે સમિતિ રદ કરવી નહીં એવી માગણી પણ સ્વીકારવામાં આવી હતી. સરકારે સમિતિની મુદત બે મહિના લંબાવી આપી અને સમિતિની મુદત આગામી દિવસોમાં તબક્કાવાર વધારી આપવામાં આવશે એવું માન્ય કર્યું.
સગાસંબંધીઓ (સગેસોયરે)ને પ્રમાણપત્ર મળવા જોઈએ નહીં તો સંબંધીઓને ફાયદો થશે નહીં. જે મહારાષ્ટ્રના મરાઠાઓ પાસે નોંધ નથી તેમણે એફિડેવિટ કરીને આપવાની છે. તેમની એફિડેવિટને આધારે તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ એફિડેવિટ રૂ. 100ના સ્ટેમ્પ પેપરને બદલે નિ:શુલ્ક આપવાનું પણ માન્ય રાખવામાં આવ્યું છે.


ક્યુરેટિવ પિટિશનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે તે આરક્ષણ મળે નહીં ત્યાં સુધી અને સગાસંબંધીઓમાં એકાદી વ્યક્તિ બાકી રહે એવી સ્થિતિ સર્જાઈ શકે એમ હોવાથી મરાઠા સમાજના બધા લોકોને 100 ટકા મફત શિક્ષણ આપવું એવી માગણી માન્ય રાખવામાં આવી હતી.


સરકારી ભરતી આરક્ષણ મળે નહીં ત્યાં સુધી કરવાની નહીં અને કરવામાં આવે તો મરાઠા અનામત રાખીને ભરતી કરવી એવી માગણી માન્ય રહાખવામાં આવી હતી.


આંતરવલી-સરાટી સહિત મહારાષ્ટ્રમાં નોંધાયેલા બધા જ ગુના માફ કરવા માટે ગૃહવિભાગ તરફથી પત્ર મળ્યો નહોતો તે પત્ર જરાંગેએ માગ્યો હતો તે પણ હવે મળશે એવું કહેવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button