આમચી મુંબઈ

ગણેશ મંડળો પર સરકાર મહેરબાન

મંડળો અને સમન્વય સમિતિની મોટાભાગની માગણીઓ રાખી સરકારે માન્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આગામી દિવસોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગણેશમંડળો પર મહેરબાન થઈ ગઈ છે. છેલ્લાં અનેક વર્ષોથી ગણેશોત્સવ મંડળ અને ગણેશોત્સવ સમન્વય સમિતિ દ્વારા કરવામાં આવતી માગણીને માન્ય રાખવામાં આવી છે. મોટા ગણેશમંડળોને ફાયરબ્રિગેડની સેવા નિ:શુલ્ક આપવાની સાથે જ કોઈ નિયમો અને શરતો નહીં રાખતા મંડળોને મંજૂરી આપવામાં આવશે, તેમ જ ગણેશમંડળોને ભાડાં પર આપવામાં આવતા મેદાનોના ભાડામાં ૫૦ ટકાની રાહત આપવાની અને ગણેશમંડળોની ઓફિસ પાસેથી વસૂલમાં આવતા ટેક્સમાં રાહત આપવા જેવી જુદી જુદી માગણીને બુધવારે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંજૂર કરી હતી. તેથી આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી ભપકાદાર જોવા મળે એવી શક્યતા છે.

આ વર્ષે સાત સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્વની ઊજવણી થવાની છે. ગણેશોત્સવની ઊજવણી દરમિયાન ગણેશમંડળોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે, તેથી લાંબા સમયથી ગણેશમંડળો અને બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્યવ સમિતિ દ્વારા સરકાર સમક્ષ જુદી જુદી માગણીઓ કરવામાં આવી હતી, જેના પર છેલ્લા અનેક મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જોકે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગણેશભક્તોને નારાજ નહીં કરતા સરકારે ચૂંટણીલક્ષી નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. છેક્ બુધવારે મુખ્ય પ્રધાન એકનાશ શિંદેએ ગણેશમંડળો, સમન્વય સમિતિ, મુંબઈ મહાનગરપાલિકા, પોલીસ પ્રશાસન સહિત જુદી જુદી સરકારી એજન્સીઓ સાથે બેઠક કર્યા બાદ તેમની માગણીઓને માન્ય રાખી હતી.

બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્યવ સમિતિના સેક્રેટરી ગિરીશ વાલાવલકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મોટાં ગણેશમંડળો કે જ્યાં ભક્તોની ભીડ લાખોમાં પહોંચી જતી હોય છે ત્યાં કોઈ પણ ડિઝાસ્ટરની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયરબ્રિગેડની ગાડી હોવી આવશ્યક છે.

અત્યાર સુધી આવાં મોટાં મંડળોને ફાયરબ્રિગેડની સર્વિસ ગાડી સાથે ઉપલબ્ધ કરાવવા માટે તેમની પાસેથી લાખો રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. તેની સામે અમને વાંધો હતો અને ફાયરબ્રિગેડની સેવા નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવાની માગણી હતી, તેને આખરે માન્ય કરવામાં આવી છે. સાર્વજનિક ગણેશ મંડળોને પરવાનગી આપવા બાબતે સરકારના અર્બન ડિપાર્ટમેન્ટના નિર્ણય મુજબ પાલિકાએ સળંગ પાંચ વર્ષ મંડપ માટે મંજૂરી લેવા બાબતે રાખેલી નિયમો અને શરતોને હળવી કરવાની સમન્વય સમિતિની માગણીને સરકારે માન્ય રાખી છે અને હવે કોઈ પણ શરત અને નિયમ નહીં રાખતા તેમ જ કોઈ પણ પ્રકારની એફિડેવિટ નહીં લેતા જે મંડળો છેલ્લા ૧૦ વર્ષથી ગણેશોત્સવની ઊજવણી કરે છે, તેવા મંડળોને પાંચ વર્ષ માટે મંડપ માટે મંજૂરી આપવામાં આવશે.

બુધવારે સહ્યાદ્રી ખાતે યોજાયેલી બેઠકમાં મંડપ બાંધવા માટે મેદાનનાં ભાડાં અને ડિપોઝિટની રકમમાં ૫૦ ટકા છૂટ આપવાની માગણીને પણ માન્ય રાખવામાં આવી છે. તેમ જ ગણેશમંડળોની ઓફિસ પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે. ગણેશમંડળો તેમની ઓફિસનો કમર્શિયલ ઉપયોગ કરતા ન હોવાથી તેમાં રાહત આપવાની માગણીને પણ સરકારે માન્ય કરી છે. એ સાથે જ સિવાય ગણેશોત્સવ પહેલા રસ્તા પરના તમામ ખાડાઓને દૂર કરવાની સાથે કૃત્રિમ તળાવ વધારાવાનું આશ્ર્વાસન પણ આપવામાં આવ્યું છે. તેમ જ મૂર્તિના આગમન અને વિસર્જન માર્ગમાં રહેલા કુલ ૧૩ જોખમી પુલ તેમ જ ગોખલે પુલ અને સાયન પુલના પર્યાયી રસ્તાની માહિતી ગણેશ મંડળોને અગાઉથી આપવાનું આશ્ર્વાસન પણ આપવામાં આવ્યું છે.


૧૫ ઑગસ્ટથી ખાડા પૂરવા ઝુંબેશ
મોટાં મોટાં ગણેશમંડળોની મૂર્તિઓનું આગમન ચાલુ થઈ ગયું છે. કારખાનામાંથી મૂર્તિઓને મંડપમાં લઈ જવામાં આવી રહી છે, ત્યારે હજી પણ અનેક જગ્યાએ રસ્તા પર ખાડાઓ જણાઈ રહ્યા છે. તેથી રસ્તા પરના તમામ ખાડાઓ પૂરવા માટે ૧૫ ઑગસ્ટથી પાલિકાનો રોડ વિભાગ એક ઝુંબેશ હાથ ધરવાની છે, જે હેઠળ ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન રૂટ પરના રસ્તાઓનું ઈન્સ્પેકશન કરીને તાત્કાલિક પગલાં લેવાં માટે ૨૨૭ વોર્ડમાં નીમવામાં આવેલા સબ એન્જિનિયરોને આદેશ આપવામાં આવ્યો છે. આ સબ એન્જિનિયરોએ દરરોજ તેમના વિસ્તારોમાં જાતે જઈને રસ્તા તપાસીને તાત્કાલિક ખાડા પૂરવાના રહેશે. નોંધનીય છે કે અત્યાર સુધી ૨૩ એન્જિનિયરોને રસ્તા પરના ખાડા પૂરવામાં નિષ્ફળ જવા બદલ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે.


મોટાં મંડળ પાસેથી વસૂલ્યા લાખો રૂપિયા
લાંબા સમયથી સમન્યવય સમિતિ દ્વારા મોટાં ગણેશમંડળોને ફાયરબ્રિગેડની સેવા નિ:શુલ્ક આપવાની માગણી કરી રહ્યા હતા. ગયા વર્ષે ફાયરબ્રિગેડની ગાડી સહિતની સેવા સતત ૧૦ દિવસ આપવા માટે વિશ્ર્વવિખ્યાત લાલબાગચા રાજાના મંડળ પાસેથી લગભગ ૧૨થી ૧૩ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?