ગોવંડીમાં લાગેલી આગમાં ૮થી ૧૦ ઝૂંપડાં બળીને ખાખ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોવંડીના ગૌતમ નગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં આઠથી દસ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. લગભગ ત્રણેક કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ તે નિયંત્રણમાં આવી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયુંં નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગોવંડીના ભિમ વાડી રોડ પર સોનાપુર લેન સ્થિત જીજામાતા મંદિર નજીક ગૌતમ નગરમાં સવારના ૧૦ વાગે આગ લાગી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે ઝૂંપડામાં રહેલી ઈલેક્ટ્રિક વાયરિંગ ઈન્સ્ટોલેશન, ફર્નિચર, ઘરનો સામાન સહિત બળીને ખાખ થઈ ગયું હતું.
સવારના શરૂઆતમાં આગ ચાર ઝૂંપડા સુધી સીમિત હતી એ બાદ બાકીના ઝૂંપડાઓમાં પણ ફેલાઈ ગઈ હતી.સવારના ૧૦ વાગે લાગેલી આગ બપોરે ૧.૧૦ વાગ્યા સુધી નિયંત્રણમાં આવી હતી. આગનું ચોક્કસ કારણ શકાયું ન હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.



