ગોરેગામના વીર સારવકર ફ્લાયઓવરનો ભોગ નહીં લેવાય,તેના બદલે મોનોપાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી નવો પુલ બાંધવાની યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક નાગરિકોના ભારે વિરોધને પગલે આખરે મુંબઈ મહાનગરપાલિકાને ગોરેગામના સાત વર્ષ જૂના વીર સાવરકર ફ્લાયઓવરને તોડી પાડવાની તેની યોજના પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે.
પ્રસ્તાવિત વર્સોવા-દહિસર લિંક રોડ (વીડીએલઆર) ડબલ-ડેકર કોરિડોર માટે વીર સાવરકર ફ્લાયઓવરને તોડી પાડવાનો હતો પણ પાલિકા પ્રશાસને હવે ફલાયઓવરને તોડી પાડવાને બદલે મોનોપાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. પાલિકા અંતિમ નિર્ણય લેતા પહેલા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(આઈઆઈટી) બોમ્બે પાસેથી ફિઝિબિલિટી રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહી હતી.
ગોરેગામ પશ્ર્ચિમમાં ૨૦૧૮ની સાલમાં લગભગ ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે વીર સાવરકર જે એમટીએનએલ ફ્લાયઓવર તરીકે પણ ઓળખાય છે તે રેડિસન હોટલ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને રુસ્તમજી ઓઝોન સાથે જોડે છે. પૂર્વ -પશ્ર્ચિમને જોડનારો અને એક મહત્ત્વનો ગણાતો આ ફ્લાયઓવર ગોરેગામ, મલાડ, માર્વે, મઢ-આક્સા અને ચારકોપ જવા ઈચ્છુક વાહનચાલકોને ટ્રાફિકવાલા એસ.વી. રોડને બાયપાસ કરવામાં મદદ કરે છે.
ઑગસ્ટમાં પાલિકાએ મુંબઈ કોસ્ટર રોડ (ઉત્તર) પ્રોજેક્ટ હેઠળ નવા ફ્લાયઓવર માટે માર્ગ બનાવવા માટે પુલ તોડી પાડવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેની સામે સ્થાનિક રહેવાસીઓ સહિત રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. છેવટે પાલિકાએ આઈઆઈટી બોમ્બેના નિષ્ણાતો દ્વારા પુલને બચાવી લેવા માટે વિકલ્પો શોધવા માટે અભ્યાસ કરવાની જવાબદારી સોંપી હતી.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અનેક શક્યતાઓ પર વિચાર કર્યા બાદ મોનોપાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રસ્તાવિત ડબલ-ડેકર બ્રિજ બનાવવાનો વિકલ્પ શોધી કાઢ્યો છે. તેની માળખાકીય સ્થિરતા અંગે આઈઆઈટી બોમ્બે પાસેથી અહેવાલ આવે તેની રાહ જોઈ રહ્યા છે. જો મંજૂરી મળી જાય તો વીર સાવરકર ફ્લાયઓવરને તોડવાની જરૂર રહેશે નહીં. આગામી આઠથી દસ દિવસની અંદર તેનો રિપોર્ટ આવવાની શક્યતા છે.
બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ પુલના બાંધકામમાં મોનોપાઈલ ટેક્નોલોજીના ઉપયોગથી માઈન્સ્પેસ મલાડ અને દિંડોશી વચ્ચેના પ્રસ્તાવિત પુલ વર્સોવા-દહિસર લિંક રોડ પ્રોજેક્ટનો ખર્ચ વધી શકે છે. અંતિમ રિપોર્ટ મળ્યા પછી ખર્ચની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવશે.



